હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લામાં રોગચાળો ના ફેલાય તે માટે જિલ્લા કલેકટર અનિલ ધામેલીયાની સુચના અને જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમારના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં પાણીજન્ય/વાહકજન્ય રોગચાળા સામે અટકાયતી પગલા અંગેની કામગીરી કરવામાં આવી રહી છે.
જે અંતર્ગત તા.૧૯/૦૭/૨૦૨૪ થી તા.૨૯/૦૮/૨૦૨૪ સુધીમાં આરોગ્ય વિભાગની ૮,૯૩૩ જેટલી ટીમ દ્વારા ૪,૧૮,૨૮૨ ઘરો અને ૨૯,૦૮,૬૧૫ નાગરિકોની તપાસ કરવામાં આવી છે. જેમાં તાવના ૩,૭૬૮, ઝાડાના ૨,૪૨૮, ઝાડા-ઉલ્ટીના ૬૫, શરદી-ખાંસીના ૭,૮૭૦, પેટમાં દુ:ખાવાના ૧,૧૩૨, સિકલ સેલના ૧૮૮ અને ૨,૮૬૫ અન્ય રોગ મળી કુલ ૧૮,૩૪૩ લોકોનું નિદાન કરવામાં આવ્યું છે.
જિલ્લામાં પાણીજન્ય રોગોનો ફેલાવો અટકાવવા માટે પાણીના ૯,૬૭,૭૩૫ પાત્રોની તપાસ કરવામાં આવી છે, જે પૈકી ૧૦,૧૫૩ પાત્રો પોઝિટિવ આવ્યા છે. ૧૦,૯૦૩ પાત્રોમાં દવા નાંખવામાં આવી છે અને ૨૬,૪૦૩ પાત્રો ખાલી કરવામાં આવ્યા છે. તદુપરાંત, ક્લોરિનની ૧,૫૬,૦૦૩ ગોળીઓ અને ઓ.આર.એસ.ના ૬,૧૬૩ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે અને ૧૯૧૬.૨૭ કિલોગ્રામ મેથેલીયોન પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો છે.