હિન્દ ન્યુઝ, ભાવનગર
હાલ ચોમાસાની ઋતુમાં વરસાદ બાદ રોગચાળો ન ફેલાય તે માટે ભાવનગર જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ભાવનગર જિલ્લા વિકાસ અધિકારી ની સૂચના અને ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ચંદ્રમણી કુમાર પ્રસાદના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પાણીજન્ય રોગચાળા સહિત કોઈપણ પ્રકારનો રોગચાળો ફેલાય નહી તેની ખાસ તકેદારી રાખીને અગમચેતીના ભાગરૂપે જિલ્લામાં ૧૩૧૧ જેટલી આરોગ્ય વિભાગની મેડીકલ અને પેરા મેડીકલની ટીમો દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે.
હાલમાં ચોમાસાની ઋતુમાં ઝાડા-ઉલ્ટી, શરદી, સામાન્ય તાવ જેવા લક્ષણો દેખાતા હોય તેમને સ્થળ પર જ પ્રાથમિક સારવાર અને જરૂરી દવા આપવામાં આવે છે. તેની સાથે સાથે ઝાડા- ઉલ્ટી, શરદી અને તાવને લગતા કેસોની અલગ નોંધણી કરીને તેમને ઘેર બેઠા પ્રાથમિક સારવાર અને દવાઓ મળી રહે તે માટેનું આયોજન જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા કરવામાં આવ્યું છે. પાણીજન્ય રોગચાળો અટકાવવા માટે પાણીનું સુપરક્લોરીનેશન તથા ટેબ્લેટ ક્લોરીનનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે.