હિન્દ ન્યુઝ, સોમનાથ
શ્રવણ શુક્લ ચતુર્દશી પર શ્રી સોમનાથ મહાદેવને મહારુદ્ર શૃંગારથી સુશોભિત કરવામાં આવ્યા છે.
મહારુદ્ર એ ભગવાન શિવના સૌથી અદભુત સ્વરૂપ પૈકીનું એક રૂપ છે. શિવજીનું મહારુદ્ર સ્વરૂપ તેમની પ્રચંડ શક્તિ અને સંહાર ક્ષમતાનું પ્રતિનિધિત્વ કરે છે. મહારુદ્ર સ્વરૂપમાં ભગવાન શિવ સમગ્ર ત્રિલોકીનો સંહાર કરીને નવું સર્જન કરે છે. આ દર્શાવે છે કે વિનાશ પછી જ નવું જીવન શક્ય બને છે અને એ નિરંતરતામાં જો કોઈ સ્થિર છે તો એ એકમાત્ર શિવ છે.
મહારુદ્ર સ્વરૂપ ભક્તોમાં ભક્તિ ઉત્પન્ન કરે છે સાથે સાથે, અધર્મના માર્ગ પર ચાલનાર તેમની વિનાશક શક્તિથી ભય પણ અનુભવે છે.
મહારુદ્ર સ્વરૂપની ઉપાસના મોક્ષ પ્રાપ્તિનો માર્ગ માનવામાં આવે છે. આ ઉપાસના દ્વારા સાધક મોહ-માયાથી મુક્ત થઈને પરમાત્મામાં લીન થઈ શકે છે.
મહારુદ્ર સ્વરૂપ ભગવાન શિવની શક્તિ, વિનાશ અને સર્જનની એકતાનું પ્રતિનિધિત્વ કરે છે. સોમનાથ મહાદેવના મહારુદ્ર સ્વરૂપના દર્શન પામી ભક્તોને આધ્યાત્મિક ઉન્નતિ અને મોક્ષ પ્રાપ્તિનો માર્ગ મળે છે.