લાલપુર તાલુકામાં આશા બહેનો માટે આશા સંમેલનનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર

     લાલપુર તાલુકામાં તાલુકા આરોગ્ય કચેરી દ્વારા અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ભાયાના માર્ગદશન હેઠળ લાલપુર તાલુકા આરોગ્ય અધિકારી ડો.પી.ડી.પરમારના અધ્યક્ષસ્થાને આશા બહેનો માટે આશા સંમેલનનું આયોજન કરાયું હતું. તાલુકા આરોગ્ય અધિકારીએ ઉપસ્થિત સર્વેને આશા અને આશા ફેસીલીટર બહેનીની કામગીરીની અગત્યતા વિષે માહિતી આપી હતી અને તેમની કામ પ્રત્યેની ફરજનિષ્ઠાને વખાણી ભવિષ્યમાં પણ આવી જ રીતે કામ કરવા માટે પ્રેરિત કર્યા હતા. તેમજ લાલપુર તાલુકામાં જન્મ મૃત્યુ દર, બાળ આરોગ્ય અને માતા આરોગ્યની સુચારુ કામગીરી માટે માર્ગદર્શન આપ્યું હતું.

 ડો.બગથરીયાએ ચાલુ માસ માર્ચ 2024 દરમિયાન જન્મજાત ખોડખાંપણ જાગૃતિ માસ તરીકે ઉજવણી કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત ડો.માનસી પટેલ દ્વારા આશા બહેનોને તેમની કામગીરી અંગે માહિતી અપાઈ હતી. ઉપસ્થિત સર્વેનું શાબ્દિક સ્વાગત ડો. જે.વી.કરંગીયાએ કર્યું હતું. કાર્યક્રમની શરુઆતમાં મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયા બાદ ઉપસ્થિત અધિકારીગણે આશા ફેસીલીટર બહેનોને પ્રમાણપત્રો અર્પણ કરીને તેમની કામગીરીને બિરદાવી હતી. તેમજ આશા બહેનો પોતાની ફિલ્ડ કામગીરી પ્રત્યે વધુ પ્રોત્સાહિત બને તે હેતુથી પ્રથમ, દ્વિતીય અને ત્રીજો ક્રમાંક આપીને તેમને પ્રોત્સાહન પૂરું પાડવા માટે 30 જેટલા ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે અને આયોજન બદલ લાલપુર તાલુકા આરોગ્ય કચેરી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન એન.આર.પરમાર એમ.પી.એસ. હરીપર દ્વારા કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમના અંતે આભારવિધિ નઝમાબેન કંઠીયા ટી.એચ.વી. લાલપુર દ્વારા કરવામાં આવી હતી. આ સંમેલનમાં ડી.પી.સી. યજ્ઞેશ ખારેચા, વિરલ કામદાર, લાલપુર તાલુકા શિક્ષણ અધિકારી, તાલુકાના આરોગ્ય અધિકારીઓ, સુપરવાઈઝરઓ તેમજ સમગ્ર લાલપુર તાલુકા આરોગ્ય કચેરીના સ્ટાફમિત્રો ઉપસ્થિત રહ્યા હતા. તેમ તાલુકા આરોગ્ય અધિકારી ડો.પી.ડી.પરમાર, લાલપુરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

 

 

 

 

Related posts

Leave a Comment