હિન્દ ન્યુઝ, સુરત
PM Suraj-સામાજિક ઉત્થાન રોજગાર આધારિત જનકલ્યાણ અંતર્ગત વીર નર્મદ યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ, આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે એસ.સી., ઓબીસી, સફાઈ કર્મચારીઓ માટે ક્રેડિટ સપોર્ટ અંતર્ગત રૂ.એક લાખ લોનની મંજૂરી, સિવર તથા સેપ્ટિક ટાંકીના કામગારો-સફાઈ મિત્રોને આયુષ્યમાન હેલ્થ કાર્ડનું વિતરણ અને કામદારોને પીપીઈ કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાનશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતીમાં પી.એમ. દક્ષ યોજના, નમસ્તે યોજના તેમજ અન્ય કલ્યાણકારી યોજનાઓનું ઈ-લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. તેમણે વંચિત વર્ગોને ધિરાણ માટે સામાજિક ઉત્થાન તથા રોજગારલક્ષી જનકલ્યાણ (PM SURAJ) વેબ પોર્ટલને પણ ખુલ્લું મૂક્યું હતું. દેશભરના ૫૦૦ જિલ્લાઓના ત્રણ લાખથી વધુ લાભાર્થીઓ કાર્યક્રમમાં જોડાયા હતા. વડાપ્રધાનશ્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈ લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો.
આ પ્રસંગે વનમંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં વર્ષ ૨૦૨૯ સુધી દેશના ૮૦ કરોડ નાગરિકોને ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ નિઃશુલ્ક અનાજ વિતરણ કરવામાં આવશે, આ યોજના હેઠળ દેશના જરૂરિયાતમંદ લોકો માટે આશીર્વાદ સમાન બની છે એમ જણાવી મંત્રીશ્રીએ પી.એમ. સૂરજ પોર્ટલ સહિત વિવિધ વિભાગોની યોજનાઓનો મહત્તમ લાભ લેવા ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો.
મંત્રીએ વધુમાં કહ્યું કે, વડાપ્રધાનની વિઝનરી લીડરશીપ હેઠળ ૨૫ કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવવાનુ ભગીરથ કાર્ય થયું છે. સંકટ સમયની સાંકળ સમાન આયુષ્માન ભારત યોજના સમગ્ર વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજના છે, જેણે વિવિધ શારીરિક સમસ્યાથી પીડાતા ગરીબ લોકોની પરવશતા અને લાચારી દૂર કરી છે, એટલું જ નહીં, ગુજરાત સરકારે આયુષ્માન કાર્ડમાં મળતી રૂ.૫ લાખની આરોગ્ય સહાય વધારીને રૂ.૧૦ લાખ કરી છે.
પ્રારંભે સિટી પ્રાંત અધિકારી વિક્રમ ભંડારીએ સ્વાગત પ્રવચન કરી સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગને મુખ્ય ધારામાં લાવવાનો અને તેમને વિવિધ સરકારી યોજનાઓ થકી લાભાન્વિત કરવાનો આ કાર્યક્રમનો ઉદ્દેશછે એમ જણાવ્યું હતું.
મંત્રીઓ અને મહાનુભાવો અને લાભાર્થીઓએ વડાપ્રધાનનું સંબોધન અને સમગ્ર કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ નિહાળ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય પ્રવિણભાઈ ઘોઘારી, મેયરશ્રી દક્ષેશ માવાણી, જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધી, ડે. મેયર ડો.નરેન્દ્ર પાટીલ, સ્થાયી ચેરમેન રાજન પટેલ, શાસક પક્ષના નેતા શશીબેન ત્રિપાઠી, નર્મદ યુનિ. ના વાઈસ ચાન્સેલર ડો. કિશોરસિંહ ચાવડા, શહેર સંગઠન પ્રમુખ નિરંજન ઝાંઝમેરા, નાયબ નિયામક(વિકસતી જાતિ) આર.ડી. બલદાણીયા, નાયબ નિયામક (અનુસૂચિત જાતિ કલ્યાણ) મિત્તલબેન પટેલ, સુરત મનપાના પદાધિકારીઓ કેયુર ચપટવાલા, ધર્મેશભાઈ વાણીયાવાલા અને સોમનાથ મરાઠે તેમજ સંબંધિત વિભાગોના અધિકારીઓ, લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.