હિન્દ ન્યુઝ, જામનગર
રાજ્ય સરકારના નેતૃત્વ હેઠળ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આગામી તા.૧૦ ફેબ્રુઆરીના રોજ કેન્દ્ર તથા રાજ્ય સરકારની અમલીકૃત પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ), પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી), હળપતિ આવાસ યોજના, ડૉ. આંબેડકર આવાસ યોજના, પંડિત દીનદયાલ ઉપાધ્યાય આવાસ યોજનાઓના સમગ્ર રાજ્યના ૩૩ જિલ્લાઓનાં અંદાજીત ૧,૨૭,૨૧૨ આવાસોના ઇ-લોકાર્પણ
તથા ઈ-ખાતમુહૂર્તનો મુખ્ય કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતેથી યોજાશે. તેમજ તમામ જિલ્લાઓમાં આ અંતર્ગત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે.
જામનગર જિલ્લામાં યોજાનાર કાર્યક્રમોના સુચારુ આયોજન માટે કલેક્ટર બી.કે. પંડ્યાના અધ્યક્ષ સ્થાને ક્લેક્ટર કચેરીના સભાખંડમાં બેઠક યોજવામાં આવી હતી.
જામનગર ગ્રામ્ય કક્ષાનો કાર્યક્રમ કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં હાપા એપીએમસી ખાતે, સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને જામજોધપુર વિધાનસભા મતવિસ્તારનો કાર્યક્રમ લાલપુર ખાતે વીર સાવરકર હાઈસ્કુલમાં તેમજ કાલાવડ તાલુકાનો કાર્યક્રમ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાના અધ્યક્ષ સ્થાને ઉમિયાપાર્ટી પ્લોટ ખાતે તા.૧૦ ફેબ્રુઆરીએ બપોરે ૧૨થી૨ ના સમય દરમિયાન યોજવામાં આવશે.
વડાપ્રધાનશ્રી દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી રાજ્યના ૧,૨૭,૨૧૨ આવાસોનું ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ થનાર છે. જેમાંથી જામનગર જિલ્લામાં ૬ તાલુકાઓમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત રૂ.૩,૬૧,૨૦૦૦૦ના ખર્ચે નિર્માણ પામેલ ૩૦૧ આવાસોનું ઈ-લોકાર્પણ કરવામાં આવશે.
આ બેઠકમાં કલેક્ટરએ લગત અધિકારીઓને જરૂરી સૂચનો આપી કાર્યક્રમ સફળ રીતે પૂર્ણ થાય તે દિશામાં કામગીરી કરવા સૂચનો આપ્યા હતા.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, અધિક નિવાસી કલેકટર બી.એન. ખેર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શારદા કાથડ તેમજ અન્ય પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા