બાદલપરામાં ધારાસભ્ય ભગવાનભાઈ બારડ દ્વારા ખેડૂત સંવાદ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

ગીર સોમનાથ વિવિધ કૃષિઉત્પાદન ધરાવતો જિલ્લો છે. જિલ્લામાં નાળીયેરીના પાકનું ખૂબ જ ઉત્પાદન થાય છે. આ પાકમાં ખેડૂતોને સફેદ માખીના રોગ સહિત ઘણી મુશ્કેલીઓ આવે છે. જેથી તેમની મુશ્કેલીઓના નિવારણ માટે બાદલપરામાં ધારાસભ્ય ભગવાનભાઈ બારડ દ્વારા ખેડૂત સંવાદ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢ અને ગીરસોમનાથ જિલ્લાના ખેડૂતોએ ભાગ લીધો હતો. આ સેમિનારમાં ખેડૂતલક્ષી તમામ સરકારી સહાય, સરકારી યોજનાઓ સહિતની માહિતી ખેડૂતોને આપવામા આવી હતી.

આ તકે ધારાસભ્ય ભગવાનભાઈ બારડે જણાવ્યું હતું કે, ઘણીવાર નાળિયેરીનું વાવેતર કરતા ખેડૂતોને સફેદ માખીના રોગ સહિત અન્ય મુશ્કેલીઓ આવે છે. જેના કારણે ખેડૂતોને અગવડતા પડે છે. ખાસ તો છેલ્લા ત્રણ-ચાર વર્ષથી નાળિયેરીની અંદર સફેદ માખીનો રોગ આવ્યો છે. જેના કારણે સમગ્ર જૂનાગઢ તેમજ ગીર સોમનાથના ખેડૂતો પરેશાન છે. હું પણ એક ખેડૂતનો દીકરો છું. જેથી તેનું કાયમી ઉકેલ આવે એવા હેતુસર ખેડૂતોને એકત્રિત કરી અને વાર્તાલાપ કરવાનો કાર્યક્રમ યોજ્યો છે. આ સંવાદના માધ્યમથી રોગનું નિયંત્રણ કરવાના પગલાં સમજાવવામાં આવ્યા છે. જેથી તમામ ખેડૂતો આ દર્શાવેલા પગલાઓનું અનુસરણ કરી મુશ્કેલીનું નિવારણ કરી શકે.

આ સેમિનારમાં તજજ્ઞો દ્વારા ક્યા પ્રકારના ખાતરનો વપરાશ કરવો? કેટલા પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરવા સહિતની તમામ માહિતી આપી હતી. આ ઉપરાંત સંવાદ સાધતા ખેડૂતોના વાવેતરને લગતા પ્રશ્નોના જવાબો પણ આપ્યા હતાં. ઉપરાંત ૧૨ જાન્યુઆરી ૧૯૮૧માં કેન્દ્ર સરકાર દ્વારા નાળિયેરી વિકાસ બોર્ડની રચના થયેલ હોય ઉપસ્થિત સર્વે મહેમાનોએ કેક કાપી આજના ખાસ દિવસની ઉજવણી કરી હતી.

આ ખેડૂત સંવાદ કાર્યક્રમમાં બેંગ્લોરના કિટ વૈજ્ઞાનિક ડો.કે.સેલ્વરાજ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો.વી.પી.ચોવટીયા, બાગાયત નિયામક એ.એમ.દેત્રોજા, નાળીયેર વિકાસ બોર્ડના અધિકારી જયકુમાર સહીતના તજજ્ઞો ઉપરાંત ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના ખેડૂતોની બહોળી ઉપસ્થિતિ રહી હતી.

Related posts

Leave a Comment