હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
આરોગ્ય વિભાગ દ્વારા ગીર સોમનાથ જિલ્લાને રક્તપિત્તના રોગથી મુક્ત કરવા માટે જિલ્લાના ૧ લાખ જેટલા ઘરમાં સર્વે કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં અંદાજીત ૦૪ લાખની વસ્તીને આવરી લેવામાં આવશે. રક્તપિત્ત સર્વે માટે જિલ્લામાં ૩૧૦ ટીમો બનાવવામાં આવી છે. આ સર્વે કામગીરી પહેલી જાન્યુઆરીથી ૧૯મી જાન્યુઆરી ૨૦૨૪ સુધી ચાલશે. નોંધનીય છે કે, રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રક્તપિત્તની નાબૂદી કરવા માટે રાજ્યમાં સર્વે કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે રક્ત ચેપ લાગ્યો હોય તો દર્દીઓને અમૂક કિસ્સાઓમાં છ માસથી પાંચ વર્ષ અને ક્યારેક ૩૦ થી ૪૦ વર્ષ સુધી આ રોગના લક્ષણો દેખાતા નથી. જિલ્લામાં દર વર્ષે ૨૦ થી ૨૫ જેટલા રક્તપિત્તના કેસ નોંધાય છે. જેમાંથી ૫થી ૬ કેસ અન્ય રાજ્યના રહેવાસીઓના નોંધાયેલા હોય છે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, ઉના અને કોડીનાર તાલુકામાં તારીખ ૧ જાન્યુઆરીથી લઈ ૧૯ જાન્યુઆરી સુધી સર્વે કરવામાં આવશે. જિલ્લા ક્ષય અધિકારી ડો. શીતલ રામે જણાવ્યું હતું કે, ‘ગીર સોમનાથ જિલ્લાને રક્તપિત્ત મુક્ત કરવા માટે આરોગ્યવિભાગ કટિબદ્ધ છે. આ સર્વે કરવા માટે તાલીમ પામેલા કાર્યકરો, આશા વર્કર બહેનો તેમજ અન્ય કર્મચારીઓ ઘરે ઘરે પહોંચી અને સર્વે કરી રહ્યાં છે. આ દરમિયાન જો રક્તપિત્તના શંકાસ્પદ લક્ષણો જણાઈ આવે તો તબીબો દ્વારા ચોક્કસ નિદાન કરીને તેમની સારવાર કરવામાં આવશે’