રાજકોટ મહાનગરપાલિકા, જિલ્લા રમતગમત વિભાગ, યોગ બોર્ડ, યુવા બોર્ડ દ્વારા સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન

હિન્દ ન્યુઝ, રાજકોટ

યોગ એ આપણી ભારતીય સંસ્કૃતિની દેન છે. પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી યોગ વિદ્યાને વિશ્વ ફલક ઉપર લાવવા તથા માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સંધની ૬૯મી સામાન્ય સભા સમક્ષ ૨૧મી જુનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવા કરેલ પ્રસ્તાવને સયુંકત રાષ્ટ્ર સંઘ દ્વારા મંજુર કરવામાં આવેલ. જેના ભાગરૂપે સમગ્ર વિશ્વમાં તારીખ ૨૧મી જુનના દિવસને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. યોગનો પ્રચાર પ્રસાર થાય અને યોગને પ્રોત્સાહન મળે તે માટે આ વર્ષે પ્રથમ વખત સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવાનું ગુજરાત સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. જે અન્વયે જિલ્લા રમતગમત વિભાગ, યોગ બોર્ડ, યુવા બોર્ડ અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું વોર્ડ કક્ષાનું આયોજન તા. ૧૯/૧૨/૨૦૨૩ના રોજ, ઝોન કક્ષાનું આયોજન તા.૨૩/૧૨/૨૦૨૩નાં રોજ અને મહાનગરપાલિકા કક્ષાનું આયોજન તા.૨૬/૧૨/૨૦૨૩ના રોજ કરવામાં આવેલ છે. સૂર્ય નમસ્કાર સ્પર્ધાના આયોજન અંગે જરૂરી ચર્ચાવિચારણા કરવા માટે માન. મેયર નયનાબેન પેઢડીયાનાં અધ્યક્ષ સ્થાને એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિ. કમિશનર આનંદ પટેલ, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનીષભાઈ રાડિયા, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, નગર પ્રાથમિક સમિતિના ચેરમેન વિક્રમભાઈ પુજારા તથા સભ્યઓ, નાયબ કમિશનર અનિલ ધામેલિયા અને હર્ષદ પટેલ ઉપરાંત જિલ્લા રમતગમત વિકાસ અધિકારી રમાબેન મધરા, શાસનાધિકારી કિરીટસિંહ પરમાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

                આ બેઠકમાં માન. મેયર નયનાબેન પેઢડીયાએ કહ્યું હતું કે, સૂર્ય નમસ્કાર માનવ જાતને આપણી રૂષિ પરંપરા વખતથી મળેલી એક અણમોલ ભેંટ છે. માન. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આજે આખું વિશ્વ ૨૧ મી જૂનનો દિવસ “આંતરરાષ્ટ્રીય યોગ દિન” તરીકે ઉજવે છે. સૂર્ય નમસ્કારમાં પણ જુદાજુદા યોગનો સમન્વય થયેલો છે અને તે સ્વાસ્થ્ય માટે સર્વોત્તમ યોગ છે. રાજ્ય સરકાર દ્વારા સૂર્ય નમસ્કાર સ્પર્ધાના રાજ્ય વ્યાપી આયોજનમાં રાજકોટ મહાનગરપાલિકા પણ પોતાના વિસ્તારમાં આ સ્પર્ધાનું ભવ્ય આયોજન કરી રહી છે.

આ અવસરે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકરે એમ કયું હતું કે, માન. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર વિશ્વમાં યોગનો ફેલાવો કરવામાં નિર્ણાયક ભૂમિકા નિભાવી છે. વધુ ને વધુ લોકો યોગ અપનાવી રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા પણ ગુજરાતમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજવામાં આવનાર છે જેમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ વોર્ડ કક્ષા. ઝોન કક્ષા અને મહાનગરપાલિકા કક્ષાની આ સ્પર્ધામાં મહત્તમ લોકો જોડાય તે પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ મીટિંગમાં મ્યુનિ. કમિશનર આનંદ પટેલે કહ્યું હતુ કે, સૂર્ય નમસ્કાર સ્પર્ધા માટે રાજકોટમાં આશરે ૨૩ હજાર જેટલા સ્પર્ધકોએ રજિસ્ટ્રેશન કરાવી લીધું છે. આજે તા.૧૪/૧૨/૨૦૨૩નાં રોજ ૧૨:૦૦ વાગ્યા સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન લિંક https://snc.gsyb.in પર સ્પર્ધકો નોંધણી કરાવી શકશે. વોર્ડ કક્ષા, ઝોન કક્ષા અને મહાનગરપાલિકા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધાના વિજેતાઓ તા.૦૧/૦૧/૨૦૨૪ ના રોજ મોઢેરા સ્થિત સૂર્ય મંદિરે નવા વર્ષના પ્રથમ કિરણ સાથે રાજ્ય કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ભાગ લેશે. સૂર્ય નમસ્કાર સ્પર્ધા પૂર્વે ટ્રેઈનર દ્વારા સ્પર્ધકો માટે પ્રેક્ટિસ સેસન પણ રાખવામાં આવનાર છે.

વોર્ડ કક્ષા, ઝોન કક્ષા અને મહાનગરપાલિકા કક્ષાની સમિતિ બનાવવામાં આવેલી છે. આ કાર્યક્રમ સુચારુ અને સુવ્યવસ્થિત રીતે થાય તે માટે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી/કર્મચારીઓને ફરજ સોંપણી અંગે હુકમ કરવામાં આવેલ છે. દરેક વોર્ડ ઓફિસરને વોર્ડ વાઈઝ કાર્યક્રમો માટે નિયુક્ત કરીને વોર્ડ વાઇઝ અધ્યક્ષ બનાવવામાં આવેલ છે. આ સ્પર્ધા માટે ૦ થી ૧૮ સુધીની વય, ૧૮ થી ૪૦ સુધીની વય અને ૪૦ થી વધુની વય માટેના ત્રણ જૂથો બનાવવામાં આવેલ છે. વોર્ડ કક્ષા, ઝોન કક્ષા અને મહાનગરપાલિકા કક્ષાની સ્પર્ધાઓ માટે સ્થળ નિયત કરવામાં આવી રહ્યા છે. યોગ બોર્ડના પ્રતિનિધિઓ દ્વારા વિજેતા પસંદગી કરવા અંગેની નિર્ણાયકોની ટીમ બનાવી, વિજેતા પસંદગી કરાવવા, વિજેતાઓને પુરસ્કાર વિતરણ થાય તે માટે જરૂરી આયોજન થયેલ છે. પ્રથમ તબક્કામાં વોર્ડ કક્ષાએ ૦૬ શ્રેષ્ઠ સ્પર્ધક જેમાં વય જૂથ મુજબ એક ભાઈ અને એક બહેનની પસંદગી કરવામાં આવશે. બીજા તબક્કામાં ઝોન કક્ષાએ ૦૬ શ્રેષ્ઠસ્પર્ધક જેમાં વય જૂથ મુજબ એક ભાઈ અને એક બેનની પસંદગી કરવામાં આવશે. ત્રીજા તબક્કામાં મહાનગરપાલિકા કક્ષાએ કોમન રેન્કમાં ૦૩ ભાઈઓ અને 03 બહેનો પ્રથમ, દ્વિતીય અને તૃતીય એ રીતે પસંદ કરવામાં આવશે. ચોથા તબક્કામાં ઉપરોક્ત વિજેતા કુલ ૦૬ સ્પર્ધકો રાજય કક્ષાની સ્પર્ધામાં ભાગ લઇ શકશે.

 જિલ્લા કક્ષાએ / મહાનગરપાલિકા કક્ષાએ પસંદગી કરવા માટે કુલ: ૦૪ લોકોની ટીમ બનાવવામાં આવશે. જેમાં ગુજરાત રાજય યોગ બોર્ડના ઝોન કોર્ડીનેટર, જિલ્લા / મહાનગરપાલિકાના યોગ કોર્ડીનેટર, યોગ સાથે સંકળાયેલ એન.જી.ઓ. કે સંસ્થાઓના કોઈ પણ એક સભ્ય અને એક ટેકનિકલ નિષ્ણાંતની ટીમ રહેશે. જે રાજ્ય લેવલે યોજાનાર સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારની પસંદગી કરશે તેઓના નામ ગુજરાત રાજ્ય બોર્ડને આપશે.

· પ્રોત્સાહન :-

ગ્રામ્ય/શાળા/વોર્ડ કક્ષાએ કેટેગરી વાઈઝ વિજેતા જાહેર કરાશે અને તેઓને રોકડ સશિ ૧૦૧/- રૂપિયા આપવામાં આવનાર છે જેમાં ગ્રામ્ય / શાળા / વોર્ડ કક્ષાએ વિજેતા થશે તેઓને તાલુકા / નગરપાલિકા / ઝોન કક્ષાએ ભાગ લેવા જણાવવામાં આવશે. અને તેમાં વિજેતા થયેલ સ્પર્ધક વય જુથ મુજબ એક ભાઈ અને એક બહેનને પુરસ્કાર રૂપે રૂા. ૧૦૦૦/- રૂપિયા આપવામાં આવશે અને તેમાંથી વિજેતા થશે તેઓને જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાએ ભાગ લેવાનો રહેશે તથા તેમાંથી વિજેતા થયેલ સ્પર્ધકને રાજય કક્ષાએ ભાગ લેવાની તક મળશે અને અંતિમ રાજય કક્ષાએ ૦૬ લોકો જેમાં 03- ભાઈઓ અને 03-બહેનોની પસંદગી કરવામાં આવશે.

વિજેતા થયેલ ખેલાડીઓને જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાએ પ્રથમ આવનાર પુરૂષ અને પ્રથમ આવનાર સ્ત્રી ઉમેદવારને રૂા. ૨૧,૦૦૦/- દ્રિતિય આવનાર પુરૂષ અને દ્રિતિય આવનાર સ્ત્રી ઉમેદવારને રૂા. ૧૫,૦૦૦/- અને તૃતિય આવનાર પુરૂષ અને તૃતિય આવનાર સ્ત્રી ઉમેદવારને રૂા.૧૧,૦૦૦/- ની રાશિ આપવામાં આવનાર છે. જયારે જિલ્લા અને મહાનગરપાલિકામાંથી વિજેતા થયેલ સ્પર્ધક રાજય કક્ષાએ ભાગ લેનાર છે જેમાં પ્રથમ વિજેતા થયેલ ભાઈ અને બહેનને રૂા. ૨,૫૦,૦૦૦/-, દ્રિતીય ભાઈ અને બહેનને રૂા. ૧,૭૫,૦૦૦/- અને તૃતિય ભાઈ અને બહેનને રૂા. ૧,૦૦,000/- રાશિ આપવામાં આવનાર છે.અન્ય જે લોકોએ ભાગ લીધેલ છે તેને પાર્ટીશીપન્ટ કર્યા અંગેનું ડીજીટલ સર્ટીફીકેટ આપવામાં આવશે.

વિજેતાઓને આપવાની થતી રકમ તેઓને રોકડ રકમ ચેક સ્વરૂપે ડી.બી.ટી. માધ્યમથી તેઓના ખાતામાં જમા કરવામાં આવશે અને સાથે પ્રમાણપત્ર આપવામાં આવશે સાથે મેડલ, સોલ વિગેરે આપી સન્માન કરવામાં આવશે.

Related posts

Leave a Comment