હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
ગીર સોમનાથ જિલ્લામાં એસ.એન.આઈ.ડી. પોલિયો રાઉન્ડ અંતર્ગત તા.૧૦ થી ૧૨ ડીસેમ્બર એમ ત્રણ દિવસ સુધી જિલ્લામાં ૦ થી ૫ વર્ષની વયના બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવશે. જે અંતર્ગત કસ્તુરબા ગાંધી મહિલા મંડળ, વેરાવળ ખાતે તા.૧૦ ડીસેમ્બર પોલિયો રવિવારના રોજ સવારે પોલિયો બુથ નંબર-૨ પરથી જિલ્લા કલેક્ટર એચ. કે. વઢવાણિયાએ બાળકોને પોલિયો રસી પીવડાવીને પોલિયો રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો.
જેમા કલેક્ટરએ જણાવ્યુ હતુ કે, જિલ્લામાં ૦ થી ૫ વર્ષનું કોઈ પણ બાળક પોલિયોના ટીપા પીવડાવવાથી વંચિત રહે નહિ તેમજ આપણો દેશ પોલિયોમુક્ત થઈ ગયો છે. પરંતુ હજુ પણ કેટલાંક દેશોમાંથી પોલિયો નાબૂદ ન થયો હોવાથી તે ફરીથી ફેલાવાની શક્યતા રહેલી છે. આપના બાળકને દર વખતે પોલિયોના ટીપા પીવડાવી, ભારતને પોલિયો મુક્ત બનાવી રાખવા જિલ્લાના ૦ થી ૫ વર્ષની વયના બાળકોને પોલિયોના રસી પીવડાવીને ભારતને પોલિયો મુક્ત બનાવી રાખવામાં સહકાર આપવા અપિલ કરી હતી.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એચ. ટી. કણસાગરાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં સિવિલ હોસ્પિટલ, સબ સેન્ટર, આશા વર્કર, આંગણવાડી વર્કર, સેવાભાવી સંસ્થાઓ, આગેવાનો સહિતના લોકોના સહયોગથી બાળ લકવાથી સુરક્ષિત કરીને રાષ્ટ્રને પોલિયો મુક્ત રાખવા કામગીરી કરવામાં આવશે.
નોંધનીય છે કે, આ પોલિયો રસિકરણ અભિયાન જિલ્લામાં તા.૧૦ થી ૧૨ ડીસેમ્બર એમ ત્રણ દિવસ જિલ્લામાં તમામ તાલુકા આરોગ્ય કેન્દ્ર દ્વારા નક્કી કરેલા બુથ પર તેમજ હાઉસ ટુ હાઉસ રસી આપીને જિલ્લાના એક લાખ ત્રીસ હજારથી વધુ બાળકોને સુરક્ષિત કરવામાં આવશે.