હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા શ્રી લોહાણા વિદ્યાર્થી ભવન, ઉના ખાતે ઘરેલું હિંસા અધિનિયમ ૨૦૦૫ અંતર્ગત કાયદાકીય જાગૃતિ સેમીનારનું આયોજન કરવામાં આવ્યુ હતું.
આ કાર્યક્રમ અંતર્ગત મહિલા કલ્યાણ સંબધિત વિવિધ યોજનાઓ,જેવી કે ૧૮૧ મહિલા હેલ્પ લાઈન, સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર, ડિસ્ટ્રીક હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમનની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
તદુપરાંત મહિલા સુરક્ષા સંબધિત કાયદાઓ જેમાં ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫, દહેજ પ્રતિબંધક ધારો-૧૯૬૧, કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩ ની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. તથા પોલીસ વિભાગ હેઠળ કાર્યરત શી-ટીમ,તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા અપાતી સેવાઓ અંગે માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં દહેજ પ્રતિબંધક અધિકારી આર.એમ.જિંજાળા, સી.ડી.પી.ઓ.ઉના રમીલાબેન, તાલુકા કાનૂની સેવા સત્તા મંડળના એડવોકેટ સુમૈયાબેન, DHEWના ડીસ્ટ્રીક કો-ઓર્ડીનેટર આનંદ પરમાર, શી-ટીમના મહિલા એ.એસ.આઈ કંચનબેન તથા સંબધિત માળખાઓના કર્મચારીઓ, આંગણવાડી વર્કર બહેનો તથા સ્થાનિક મહિલાઓ હાજર રહ્યા હતાં.