હિન્દ ન્યુઝ, જામનગર
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર રાજ્યમાં તા. ૨૬ તથા ૨૭મી નવેમ્બરના રોજ ૧ મી.મી. (મીલિમીટર) થી લઈને ૧૫૧ મી.મી. કમોસમી વરસાદ વરસ્યો છે. હવામાન ખાતા દ્વારા જારી થયેલી વરસાદની સચોટ આગાહીના પગલે ખેતીવાડી ખાતા દ્વારા અગાઉથી જ ખેડૂતોને ખેતરમાં કાપણી કરીને પડેલા પાક તથા માર્કેટિંગ યાર્ડોને જણસીઓના જતન તથા પલળે નહીં તેવી વ્યવસ્થા કરવા સૂચના અપાઈ હતી. જેના કારણે મોટાભાગના પાકની નુકસાની બચાવી શક્યા છીએ. મંત્રીએ કહ્યું હતું કે, રાજ્યમાં ખરીફ પાકોનું આશરે ૮૬ લાખ હેક્ટરમાં વાવેતર થયેલું હતું. જેમાં કપાસ, એરંડા, તુવેર મુખ્યત્વે છે. જો કે મોટાભાગના પાકની કાપણી પૂર્ણ થઈ ગઈ છે. હજુ રાજ્યમાં ૧૦ થી ૧૫ લાખ હેક્ટરમાં કપાસનો પાક ઊભો હોવાનો અંદાજ છે. જેમાં મુખ્ય ફાલ વીણાઈ ગયો છે જ્યારે છેલ્લો થોડો ફાલ વીણવાનો બાકી છે. કુલ મળીને અંદાજે ૨૦થી ૨૫ લાખ હેક્ટરમાં કપાસ, એરંડા, તુવેરના પાકનું વાવેતર થયેલું હતું. જો કે પાકની મુખ્ય કાપણી, વીણવાનું કામ પૂર્ણ થઈ ગયું હોવાથી માવઠાની નુકસાનીની શક્યતા ઓછી છે. આમ છતાં રાજ્યમાં ત્રણથી ચાર લાખ હેક્ટરમાં કપાસ, દિવેલા, તુવેરના ઊભા પાકને અસર થયાનો પ્રાથમિક અંદાજ છે. મંત્રીએ કહ્યું હતું કે, રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણ ચોખ્ખું થવા લાગ્યું છે. કમોસમી વરસાદી વાદળાઓ દૂર થવા લાગ્યા છે. કૃષિ ખાતા દ્વારા ખેતીવાડી વિભાગના અધિકારીઓને આજથી જ જિલ્લાવાર પાકની નુકસાનો સર્વે કરવા તથા આ કામગીરી વહેલાસર પૂર્ણ કરવા સૂચના આપી છે. પાકમાં નુકસાનીનો અહેવાલ આવ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા SDRFના ઘોરણો મુજબ ખેડૂતોને માવઠાની આપદામાં સહાય ચૂકવાશે. છેલ્લા ૦૯ વર્ષમાં રાજ્ય સરકારે અતિવૃષ્ટિ, માવઠા કે કુદરતી આપત્તિઓમાં ખેતી પાકને થયેલા નુકસાન સામે રાજ્યના ૮૯ લાખ ખેડૂત લાભાર્થીઓને SDRFના નિયમો પ્રમાણે રૂ. ૭૭૭૭.૮ કરોડ ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી રૂ. ૨૯૬૬.૯ કરોડ આમ કુલ રૂ. ૧૦,૭૪૦ કરોડની સહાય ચૂકવી હોવાનું તેમણે ઉમેર્યું હતું. તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં રવિ સિઝનમાં ૪૫ લાખ હેક્ટરમાં વાવેતર થાય છે.
અત્યાર સુધીમાં ૧૫થી ૧૬ લાખ હેક્ટરમાં વાવેતર નોંધાયું છે. જેમાં ઘઉં, ચણા, શેરડી, ધાણા, જીરૂ, વરિયાળી, શાકભાજી સહિતના પાક હજુ ઉગતી અવસ્થામાં છે. આથી બે દિવસના માવઠામાં તેમાં નુકસાનીની શક્યતા નહિવત છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ વાઇબ્રન્ટ ગુજરાત સંદર્ભે વિદેશ પ્રવાસે છે. તેઓ ખેડૂતો માટે સતત ચિતિંત છે અને જાપાનથી ફોન કરીને મુખ્યમંત્રીએ માવઠાથી નુકસાનીની વિગતો જાણી હતી.