હિન્દ ન્યુઝ, રાજકોટ
રાજ્યના દરેક નાગરિક સરકારની વિવિધ યોજનાની માહિતી અને યોજનાના લાભો લાભાર્થીઓ સુધી પહોંચાડી શકાય એવા લોકજાગૃતિના શુભ હેતુથી “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”ને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે રાજકોટ જિલ્લાના કુવાડવા સ્થિત મિડલ સ્કુલ ખાતેથી લીલી ઝંડી આપીને શુભારંભ કરાવ્યો હતો. મંત્રી ભાનુબેન બાબરીયાએ કહ્યું હતું કે, વિકાસ સતત ચાલતી પ્રક્રિયા છે, દેશ વિકસિત બને ત્યાં સુધી અને ત્યારબાદ પણ વિકાસ અવિરત પણે થતો રહે તેવો સંકલ્પ આપણે સૌ કરીએ. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સમયમાં ગુજરાત વિકાસનું રોલ મોડલ બન્યું અને હાલમાં આ રોલ મોડલને સમગ્ર દેશમાં અપનાવવામાં આવ્યું છે. સર્વાંગીણ વિકાસના આ મોડેલના આધારે વર્ષ ૨૦૪૭ સુધીમાં સમગ્ર દેશને “વિકસિત ભારત” તરીકે પ્રસ્થાપિત કરવાની પ્રત્યેક ભારતીયનો સંકલ્પ છે. ભારતમાતાને પરમ વૈભવના શિખરે પહોંચાડવા માટે સર્વાંગી વિકાસ અને સર્વાંગી સહયોગ જરૂરી છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની તમામ યોજનાઓના લાભાર્થીઓને મળવાપાત્ર તમામ લાભ તેમના ઘર આંગણા સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે.
આવનારી ૨૨મી જાન્યુઆરીએ સમગ્ર દેશમાં ફરીવાર દિવાળી જેવો તહેવાર ઉજવાશે, અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન શ્રીરામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવામાં આવશે, ત્યારે આપણે સૌ ઘર આંગણે રંગોળી અને દીવાઓની હારમાળા કરીને આ વિજય ઉત્સવને રંગેચંગે મનાવીશું, તેમ પણ મંત્રીએ કહ્યું હતું. “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”ના શુભારંભ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, કલેકટર, સાંસદ મોહનભાઈ કુંડારીયા પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. સમગ્ર દેશ સહિત રાજ્યભરમાં તા. ૧૫ નવેમ્બરથી ૨૬ જાન્યુઆરી ૨૦૨૪ સુધી સંકલ્પ યાત્રા યોજાઇ રહી છે. “સંકલ્પ હી સાહસ, સંકલ્પ હી સેવા, સંકલ્પ હી તાકાત, સંકલ્પ હી જ્યોતિ” ની થીમ આધારીત અંગેની ફિલ્મ નિહાળી હતી.
આ કાર્યકમમાં ‘મેરી કહાની-મેરી જુબાની’ થકી વિવિધ યોજનાના લાભાર્થીઓએ મેળવેલ લાભો અંગે પોતાની જાતે વર્ણન કર્યું હતું. ત્યારબાદ ‘ધરતી કહે પુકાર કે’ નાટીકા રજુ કરાઈ હતી જેમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અંગેનો સંદેશ આપ્યો હતો. પાના નં. ૨ પર પાના નં. ૨ વિજ્ઞાન, રમતગમત, આયુર્વેદ સહિતના વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ ગ્રામજનોને સન્માનીત કરાયા હતા. મહાનુભાવોના હસ્તે પી.એમ.જે.એ.વાય અંતર્ગત કાર્ડ, મિશન મંગલમ્ અંતર્ગત ચેક વિતરણ અને વ્હાલી દીકરી યોજના સહિત કૂલ ૧૭ જેટલી યોજનાના લાભાર્થીઓને વિવિધ લાભો આપવામાં આવ્યા હતા. કુવાડવા ગ્રામ પંચાયતને લેન્ડ રેકોર્ડનું ડિજિટલાઈઝેશન, ઓ.ડી.એફ પ્લસ સ્ટેટ્સ, જલ જીવન મિશન લાભો સહિતના કામોની સિદ્ધિઓ માટે સરપંચ સરોજબેન પીપળીયાને પ્રશસ્તિ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત તમામ ગ્રામજનો અને મહાનુભાવો દેશને સુશિક્ષિત અને વિકસિત કરવાના શપથ ગ્રહણ કર્યા હતા.
ઉપસ્થિત તમામ લોકોએ વિવિધ સેવા સેતુઓના તમામ સ્ટોર્સની મુલાકાત લીધી હતી તેમજ આઇ.સી.ડી.એસ.ના સ્ટોલ દ્વારા પ્રદર્શિત મિલેટ્સ વાનગીઓનું નિદર્શન કર્યું હતું. આ તકે સાંસદ રામભાઈ મોકરીયા, અગ્રણી ચેતન કથીરીયા,શ્રી મનોજ રાઠોડ, ભાવેશ પીપળીયા, જસ્મીનભાઈ પીપળીયા, જે.કે. પીપળીયા, નરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.એસ.ઠુમ્મર, પ્રાંત અધિકારી સંદિપ વર્મા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી મહેશ નાકીયા, વિકસિત ભારત યાત્રાના ઇન્ચાર્જ મનોજભાઈ રાઠોડ, મહિલા અને બાળ વિકાસ અધિકારી અવનીબેન દવે, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિતેષ દિહોરા, આરોગ્ય અધિકારી નિલેશ રાઠોડ મિશન મંગલમ અધિકારી તૃપ્તિ બેન સહિત ગ્રામજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.