હિન્દ ન્યુઝ, જામનગર
જામનગર જિલ્લામાં આવેલા ઔદ્યોગિક એકમો, હાઈવે ઓથોરિટી દ્વારા તથા માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડના કામોમાં તેમજ અન્ય બાંધકામના કામો માટે બહારથી કે અન્ય રાજ્યોમાંથી શ્રમિકો, મજુર ઠેકેદાર, સપ્લાયર્સ અને કોન્ટ્રાકટરને બોલાવવામાં આવે છે. જિલ્લામાં મિલ્કત વિરુદ્ધના ગુન્હાઓની તપાસ કરતા જાણવા મળ્યું છે કે, મોટા ભાગના કિસ્સામાં ગુજરાત રાજ્યની બહારથી આવેલા શ્રમિકો રોડ પર ખાડા ખોદવાના કામમાં અને ઔદ્યોગિક એકમોમાં મજૂરી કામ કરી રહેલા શ્રમિકો સ્થાનિક પરિસ્થિતિથી વાકેફ હોય છે. તેઓ ઘરફોડ ચોરી, લૂંટ તથા અન્ય મિલ્કત વિરુદ્ધના ગુનાઓ આચરીને પરત પોતાના વતનમાં જતા રહે છે.
જેનાથી આવા ગુન્હાઓમાં આગળ કોઈ તપાસ થઈ શકતી નથી. તેથી જિલ્લામાં આવેલા તમામ ઔદ્યોગિક એકમો અને અન્ય જગ્યાઓએ પરપ્રાંતીય મજૂરો એટલે કે, ગુજરાત રાજ્ય બહારના લોકોને કામે રાખનારા મજુર ઠેકેદાર, સપ્લાયર્સ અને કોન્ટ્રાકટર જયારે બહારના લોકોને કામે રાખે ત્યારે તેની માહિતી સંબંધિત જે-તે પોલીસ સ્ટેશનમાં પુરી પાડે તે માટેનું આ જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એન.ખેર, જામનગર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
ઉક્ત જાહેરનામામાં જણાવ્યા મુજબ, જામનગર જિલ્લામાં કોઈપણ મજુર ઠેકેદારો, સપ્લાયર્સ અને કોન્ટ્રાકટરો જયારે પરપ્રાંતીય શ્રમિકો અને બીજા જિલ્લાના લોકોને કામ માટે રાખે/રખાવે ત્યારે અત્રે જણાવેલા નમુના મુજબના ફોર્મમાં જરૂરી વિગતો અને આધારો સાથે જે-તે સંબંધિત પોલીસ સ્ટેશનને રૂબરૂમાં અથવા તો ટપાલ દ્વારા મોકલી આપવાના રહેશે.
આ જાહેરનામું સમગ્ર જિલ્લાના તમામ વિસ્તારોમાં આગામી તા.08/01/2024 સુધી અમલમાં રહેશે. ઉક્ત પ્રતિબંધાત્મક હુકમોનો ભંગ કરનારી વ્યક્તિ ભારતીય દંડ સંહિતા-1860 ના 45માં અધિનિયમની કલમ-188 હેઠળ શિક્ષાને પાત્ર થશે.
મજુર ઠેકેદારો, સપ્લાયર્સ અને કોન્ટ્રાકટરો દ્વારા સંબંધિત પોલીસ સ્ટેશનમાં ફોર્મ ભરતી વખતે થતી આપવાની માહિતી…
(1) લેબર કોન્ટ્રાકટર, મુકાદમ (સપ્લાયર) નું પૂરું નામ, સરનામું અને મોબાઈલ નંબર.
(2) શ્રમિકનું નામ અને ઉંમર વર્ષની વિગતો.
(3) શ્રમિકનું હાલનું સરનામું અને મોબાઈલ નંબર.
(4) શ્રમિકનું મૂળ વતનનું સરનામું, ગામ, તાલુકો, જિલ્લાની વિગતો.
(5) શ્રમિકનું હાલની મજૂરીનું સ્થળ અને કંપનીનું નામ.
(6) શ્રમિકના વતનમાં સ્થાનિક પોલીસ સ્ટેશનનું નામ, જિલ્લો અને ટેલિફોન નંબર.
(7) શ્રમિકના વતનના આગેવાનનું નામ, સરનામું અને મોબાઈલ નંબર.
(8) શ્રમિક અગાઉ કોઈ પોલીસ ગુન્હામાં પકડાયેલો હોય તો તેની વિગતો.
(9) શ્રમિકને ક્યારથી મુકાદમે/ કોન્ટ્રાકટરે મજૂરી કામ પર રાખ્યો છે ?
(10) શ્રમિકની ઓળખ માટેનું ફોટો આઈ. ડી. પ્રુફની વિગતો.
(11) જામનગર જિલ્લામાં શ્રમિક કઈ તારીખથી મજૂરી કામ કરે છે ? અને કઈ તારીખે જવાનો છે ?
(12) જામનગર જિલ્લામાં શ્રમિકના નજીકના સંબંધી હોય તો તેનું નામ, સરનામું અને મોબાઈલ નંબર.
(13) શ્રમિકના ભાઈ/ બહેનનું નામ, સરનામું અને મોબાઈલ નંબર.
(14) શ્રમિકના કાકા/ મામાનું નામ, સરનામું અને મોબાઈલ નંબર.
(15) શ્રમિક હાલમાં જ્યાં રહે છે ત્યાં તેના ગામના કોણ છે ? તેનું નામ, સરનામું અને મોબાઈલ નંબર.
(16) શ્રમિકનો તાજેતરનો ફોટો.
(17) શ્રમિકના અંગુઠાનું નિશાન, મુકાદમ/ ઠેકેદારના નામ સાથેની સહી…