શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત મ્યુઝિયમમાં કરવામાં આવી સફાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

      ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ એટલે કે જ્યાં સ્વચ્છતા છે ત્યાં પ્રભુનો વાસ છે. વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્રભાઈ મોદીની આગેવાની તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા અભિયાન અંતર્ગત દેવાધિદેવ મહાદેવ જ્યાં બિરાજમાન છે એવા પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથની ભૂમિમાં આવેલા અને યાત્રિકોને સાંસ્કૃતિક વારસાથી માહિતગાર કરતા મ્યુઝિયમની સફાઈ કરવામાં આવી હતી.

સોમનાથ ટ્રસ્ટના ટૂરિસ્ટ ફેસેલિટી સેન્ટર ખાતે આવેલા મ્યૂઝિયમ સહ પ્રદર્શન કેન્દ્રમાં સોમનાથનો ભવ્ય ઈતિહાસ ઉજાગર કરતા ઐતિહાસિક સ્તંભથી લઈ પુરાતન પ્રતિમાઓ દર્શાવવામાં આવેલ છે. અહીં આવતા યાત્રિકો આ તમામ સ્થાપત્ય નિહાળી પ્રાચીન યુગમાં સોમનાથના સાંસ્કૃતિક વારસાનો તાદ્રશ્ય અનુભવ કરે છે.

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાનમાં પોતાની ભાગીદારી નોંધાવતા આ તમામ પ્રતિમાઓ તેમજ અવશેષોની પણ ઉત્સાહપૂર્વક સફાઈ કરવામાં આવી હતી. આ રીતે દૈનિક ધોરણે પોતાના જીવનમાં પણ સ્વચ્છતા રાખવાનો સંકલ્પ લઈ શ્રી સોમનાથ ટ્રસ્ટના સફાઈ કર્મયોગીઓએ ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ના સૂત્રને ખરા અર્થમાં સાર્થક કર્યુ હતું. નોંધનીય છે કે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા દિવસે અને રાત્રે પણ રસ્તાની સફાઈ કરવામાં આવે છે. જેથી દર્શનાર્થે આવતા યાત્રિકોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે અને મંદિરમાં પણ ઠેર ઠેર કચરાપેટી મૂકવામાં આવી છે. જેથી યાત્રિકો કચરામુક્ત સ્વચ્છ પ્રાંગણમાં રહીને શ્રી સોમનાથ મંદિરની ભવ્યતા અને દિવ્યતાને માણી શકે.

Related posts

Leave a Comment