નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ ત્રિનેત્રેશ્વર મહાદેવનું પૂજન કરી લોકમેળો ખૂલ્લો મુકયો

હિન્દ ન્યુઝ, તરણેતર 

       કંકુવરણી ભોમકામાં પ્રતિવર્ષ યોજાતા અને પાંચાળની લોક સંસ્કૃતિને ઉજાગર કરતા જગ વિખ્‍યાત તરણેતરના લોકમેળાનો આજથી શુભારંભ થયો છે. નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવનું પૂજન-અર્ચન કરી લોકમેળાનો શુભારંભ કરાવ્યો હતો. તરણેતર લોકમેળાને ખુલ્‍લો મુક્યો બાદ નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, સાંસ્‍કૃતિક વિરાસતનો સમૃધ્‍ધ વારસો ધરાવતા સુરેન્દ્રનગર જિલ્લાના પાંચાળ પ્રદેશમાં યોજાતા તરણેતરના લોકમેળામાં પ્રતિવર્ષ માત્ર ગુજરાતમાંથી જ નહી પરંતુ દેશ–વિદેશથી અનેક શ્રધ્ધાળુઓ આવે છે. આ લોકમેળાનું અનેરૂ મહાત્મ્ય રહેલું છે, તેને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા આ મેળામાં આવતા લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટેનું આયોજનબધ્ધ કાર્ય પણ કરવામાં આવે છે.

    વધુમાં તેમણે ઉમેર્યું હતુ કે, આ મેળામાં આવતા લોકોને રાજય સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓની જાણકારી મળી રહે અને તેમનામાં જાગૃતિ આવે તે માટે સરકારના વિવિધ વિભાગો દ્વારા અહિ પ્રદર્શનો પણ ગોઠવવામાં આવે છે. ત્રિનેત્રેશ્વર મહાદેવના પુજન–અર્ચન બાદ નાયબ મુખ્ય દંડક સહિતના મહાનુભાવોએ રાજ્ય સરકારના માહિતી વિભાગ દ્વારા ગુજરાતના વિકાસને ઉજાગર કરતું “યશસ્વી ગુજરાતના બે દાયકાના અવિરત વિકાસની સોનેરી ગાથા” પ્રદર્શન તેમજ પશુપાલન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલ પશુ પ્રદર્શનને અને ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રદર્શનને રીબીન કાપી ખુલ્લા મુકયા હતા. નાયબ મુખ્ય દંડકએ પશુ પ્રદર્શનના સ્થળે ગૌપુજન કરી પશુપ્રદર્શન પણ નિહાળ્યું હતુ. તરણેતરના આ લોકમેળામાં દંડકએ મેળાના આકર્ષણ સમા ગ્રામિણ ઓલમ્‍પિકસનો શુભારંભ કરાવ્યો હતો. દંડકના હસ્‍તે ૩૦૦૦ મીટર દોડમાં પ્રથમ, દ્વિતિય અને તૃતીય સ્‍થાને આવેલ ખેલાડીઓને પ્રમાણપત્ર તથા રોકડ પુરસ્‍કાર આપી સન્‍માનિત કરવામાં આવ્યા હતાં. આ પ્રસંગે ચોટીલા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, અગ્રણી સર્વ હિતેન્દ્રસિંહ ચૌહાણ, કાનભા, તરણેતર સરપંચ અશોકસિંહ રાણા, જિલ્લા કલેકટર કે.સી. સંપટ, જિલ્લા વિકાસ અધિકારી પી.એન.મકવાણા, તાલીમી આઈ.એ.એસ. હિરેનભાઈ બારોટ, જિલ્લા રમત વિકાસ અધિકારી પાર્થ ચૌહાણ, જિલ્લા યુવા વિકાસ અધિકારી ભરતસિંહ ગોહિલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શિલ્પાબેન પટેલ સહિત સંબધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment