હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર
ગુજરાત અને ભારતભરમાં પ્રાકૃતિક ખેતીનું અભિયાન જયારે વેગવંતુ બનેલું છે ત્યારે છોટાઉદેપુર જીલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે પણ માર્કેટ મળી રહે અને અહીના સ્થાનિક લોકોને શુદ્ધ અને કેમિકલ રહિત ખાધ્યાનો, કઠોળ, દેશી શાકભાજી અને ફળફળાદી વગેરે વસ્તુઓ મળી રહે તે માટે આત્મા પ્રોજેક્ટ અને જીલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી તેમજ જીલ્લા સેવા સદનના સૌજન્યથી ખેડૂતો માટે જીલ્લા સેવા સદનના પ્રાંગણમાં આજરોજ વેચાણ કેન્દ્ર ઉભું કરવામાં આવ્યુ છે. જે કોઈ પ્રાકૃતિક ખેતી કરે છે તે તમામ ખેડૂતો આ સ્ટોલમાં પોતાના ઉત્પાદનો વેચી શકશે, ખેડૂત પાસેથી સીધું જ લોકોને સસ્તાભાવે અને શુદ્ધ ઉત્પાદનો ઘર આંગણે મળી રહેશે. છોટાઉદેપુરના જીલ્લા સેવા સદનની પાછળ કેન્ટીન આવેલું છે ત્યાં રોજ સવારે ૧૦ થી ૬ વાગ્યા સુધી આ સ્ટોલ ખુલ્લો રહેશે. કલેકટર સ્તુતિ ચારણ દ્વારા આજરોજ ખેડૂતો સાથે વાતચીત કરી તેમજ છોટાઉદેપુર જીલ્લાના નાગરિકો, કર્મચારીઓ અને ખાસ કરીને જીલ્લા સેવા સદન કામકાજ અર્થે આવનારા લોકોને અહીંથી ખરીદી કરવા અપીલ કરી છે.
આપણા રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા દેશના પ્રધાનમંત્રીના માર્ગદર્શનને આધારે સમગ્ર દેશમાં વધી રહેલા ઝેરયુકત અને કૃત્રિમ ફર્ટિલાઇઝર વાળા અનાજ, શાકભાજીના સ્થાને પ્રાકૃતિક ખેતી તરફ વળવા ઠેર ઠેર પરિસંવાદો કરી લોકોમાં જાગૃતિ લાવી રહ્યા છે ત્યારે અહીના ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે તો છોટાઉદેપુર જીલ્લાના રહેવાસી તરીકે આપણી પણ એ ફરજ છે કે આપણે ત્યાથી વસ્તુઓ ખરીદી આવા નેક કામને પ્રોત્સાહન આપીએ. આવા ઉત્પાદનોમાં અડદ, માગ, મઠ, દાળ, ચોખા, હળદર, ઘઉંનો લોટ, મકાઈનો લોટ, ગાયના ગોબરની વિવિધ ઘર વપરાશની વસ્તુઓ, ધૂપસળી, શાકભાજીના પાકો, મગફળી, તલ, દેશી ગાયનું દૂધ-ઘી વગેરે વસ્તુઓ રોજે રોજ અહી વેચવામાં આવશે તેમજ બારેમાસ ભરી શકાય તેવા અનાજ-કઠોળનો ઓર્ડર નોંધાવી અને જથ્થાબંધ અનાજ-કરીયાણાની વસ્તુઓ ખરીદી શકાશે.