રાજકોટ કે.કે.વી. ચોક ફ્લાયઓવર બ્રિજ પર સેલ્ફી તથા વીડિયો રીલ્સ બનાવવા લોકો ઊભા રહેતા હોઈ, દુર્ઘટના ન સર્જાય તે હેતુથી ૧૫૦ ફૂટ X ૭ ફૂટની પ્રોટેક્શન વોલ બનાવવાનું શરૂ કરાયું

હિન્દ ન્યુઝ, રાજકોટ 

       રાજકોટ મહાનગરપાલિકા દ્રારા કાલાવડ રોડ પર કે.કે.વી. ચોક પરના હયાત જુના ફ્લાયઓવર બ્રિજની ઉપરથી પસાર થાય તે પ્રકારનો નવો બનાવાયેલ મલ્ટીલેવલ ફ્લાયઑવર બ્રિજ નાગરિકો માટે આકર્ષણનું કેન્દ્ર બનેલ છે. ઘણા રાહદારીઓ ખાસ તો આ બ્રિજ જોવા તેના પરથી પસાર થતા હોય છે. આ ફ્લાયઓવર બ્રિજ પરથી પસાર થતી વખતે ઘણા લોકો ફ્લાયઓવરના સેન્ટર ભાગમાં જ્યાં સૌથી વધુ ઊંચાઈ આવેલી છે એ સ્થળે સેલ્ફી તથા વીડિયો રીલ્સ બનાવવા માટે ઊભા રહી જતા હોય છે. આવા સંજોગોમાં આ ફ્લાયઓવર બ્રિજ પર કોઈ દુર્ઘટના ન સર્જાય તેવા હેતુથી મલ્ટીલેવલ ફ્લાયઑવર બ્રિજના સેન્ટર સ્પાનમાં ૧૫૦ ફૂટ X ૭ ફૂટની પ્રોટેક્શન વૉલ બનાવવાનું કામ શરૂ કરાવવામાં આવેલ છે.

આ પ્રોટેક્શન વૉલમાં રૉક-વુલ, ફાઇબર ગ્લાસ, ટીસ્યુપેપર, જી.આઈ. શીટ તથા એમ.એસ. પાઇપનો ઉપયોગ કરવામાં આવશે જેથી આ પ્રોટેક્શન વૉલ નોન ટ્રાન્સપરન્ટ થશે. આ પ્રોટેક્શન વૉલ બનાવવાની કામગીરી અંદાજીત – ૪ (ચાર) દિવસ ચાલે તેમ હોય બ્રિજ ૨(બે) દિવસ માટે કોટેચા ચોકથી આત્મિય કોલેજ તરફ તથા ૨(બે) દિવસ માટે આત્મિય કોલેજથી કોટેચા ચોક તરફ અલ્ટરનેટ બંધ રાખવો જરૂરી હોઈ તંત્રને સહકાર આપવા, તેમજ ટ્રાફિક વ્યવસ્થા અને સુરક્ષાના ભાગરૂપે બ્રિજ પર રીલ્સ બનાવવી, સેલ્ફી લેવી તથા ટ્રાફિકને અડચણરૂપ અને કોઇપણ જોખમી પ્રવૃત્તિ ન કરવા લોકોને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવેલ છે.

Related posts

Leave a Comment