હિન્દ ન્યુઝ, આણંદ
તારાપુરમાં લોખંડના ખાટલા અને પીપડા વેચવાનો વ્યવસાય કરતાં વેપારીની 26મી જૂનના રોજ ક્રૂરતા પૂર્વક હત્યા કરવામાં આવી હતી. આ કેસ ઉકેલવા માટે 3 પોલીસ ઇન્સ્પેક્ટર સહિત સાત ટીમ કામે લાગી છે. જેમાં સીસીટીવી ફુટેજ આધારે શકમંદ પરપ્રાંતિય યુવકની ધરપકડ કરવામાં આવી હતી. આ યુવકની પૂછપરછમાં તેને મૃતક સાથે સમલૈંગીક સંબંધ હોવાનો ઘટસ્પોટ કર્યો હતો. મૃતક વૃદ્ધ પાસે યુવકે નાણા માંગતા વૃદ્ધે નકાર કરતા યુવકે સોનાના ચેઇનની લૂંટ કરી વૃદ્ધની હત્યા કરી હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે .
તારાપુરના નાજુમલ અસ્ટેટમાં રહેતા અશોકકુમાર નાજુમલ મહેશ્વરીના નાનાભાઈ 75 વર્ષીય પિતાંબરદાસ ઉર્ફે પોપટભાઈ મહેશ્વરી લોખંડના ખાટલા તથા પીપડા વચેવાની દુકાન ચલાવતાં હતાં. પિતાંબરદાસ મહેશ્વરી 26મી જૂનના રોજ બપોરના સુમારે દુકાનેથી ક્યાંક જવા નિકળ્યાં હતાં. બાદમાં તેમના ઘરના ઉપરના માળે કોઇ અજાણ્યા શખસે તેમના ગળા પર ક્રૂરતાપૂર્વક છરાના ઘા ઝીંકી હત્યા કરી હોવાની હાલતમાં લાશ મળી હતી. આ અંગે તારાપુર પોલીસ ઇન્સ્પેક્ટર જે.આર.પટેલે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં જ પોલીસને કેટલાક સીસીટીવી ફુટેજ મળ્યાં હતાં. જેમાં એક પીળા શર્ટવાળો શખસ જતો દેખાયો હતો. પરંતુ તે પરત ફર્યો તે સમયે શર્ટ પહેરેલો નહતા. આથી, તેના પર શંકા જતા શોધખોળ હાથ ધરી હતી. જેમાં આ યુવક પર પ્રાંતિય હોવાનું ખુલ્યું હતું.
આ અંગે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના કોન્સ્ટેબલ ભરતભાઈ તથા કોન્સ્ટેબલ કુલદીપસિંહને બાતમી મળી હતી કે, સીસીટીવી કેમેરામાં દેખાયેલો શખસ સમલૈંગીક સંબંધ ધરાવતો માણસ છે. જે ઘટના બાદ ઉત્તરપ્રદેશ જતો રહ્યો હતો. આથી, ખાસ ટીમ ઉત્તરપ્રદેશ પહોંચી શંકાસ્પદ યુવકની અટક કરી હતી. આ યુવકની પૂછપરછ કરતાં તે ગોવિંદ ઓમપ્રકાશ યાદવ (રહે.ફતેપુર, લેહદા તોલા, રુદ્રપુર, જિ. દેવરીયા, ઉત્તરપ્રદેશ) હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ગોવિંદની આગવીઢબે પુછપરછ કરતાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. ગોવિંદ સમલૈંગીક સંબંધ ધરાવતો હતો. મૃતક પિતાંબરદાસ અને ગોવિંદ વચ્ચે છેલ્લા ચારથી પાંચ મહિનાથી સમલૈંગીક સંબંધ હતાં. દરમિયાનમાં ગોવિંદને નાણાની જરૂર હોવાથી તેણે પિતાંબરદાસ પાસે માંગ્યાં હતાં. પરંતુ પિતાંબરદાસે ના પાડી હતી. આથી, તેણે તેના ગળામાં રહેલો સોનાનો ચેઇન લૂંટ કરવા આયોજન ઘડ્યું હતું અને બજારમાંથી છરો ખરીદી બપોરના સુમારે સીધો ઘરે પહોંચી ગયો હતો. જ્યાં તેણે પિતાંબરદાસ સાથે સમલૈંગીક સંબંધ બાધ્યા બાદ છરો કાઢી પિતાંબરદાસના ગળા અને અન્ય ભાગોમાં ઉપરા છાપરી ઘા ઝીંકી ક્રૂર હત્યા કરી સોનાનો દોરો લૂંટ કરી ભાગી ગયો હતો. આ માહિતી આધારે પોલીસે ગોવિંદ ઓમપ્રકાશ યાદવ (ઉ.વ.18 વર્ષ 5 મહિના)ની ધરપકડ કરી તેની પાસેથી સોનાનો દોરો જપ્ત કર્યો હતો.
આણંદ બ્યુરો ચીફ: ભાવેશ સોની