આણંદના વાસદમાં દિવાલ ઢસી પડતાં માસુમ ભાઈ–બહેનનું મોત 

હિન્દ ન્યુઝ, આણંદ  

    આણંદ જિલ્લામાં સતત વરસાદી વાતાવરણ વચ્ચે કરૂણાંતિકા સર્જાઇ હતી. વાસદમાં બે દિવાલ વચ્ચે છાપરૂ બનાવી રહેતા શ્રમજીવી પરિવારના બે માસુમ બાળક પર દિવાલ પડતાં તેમનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. આ અંગે વાસદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો. જ્યારે બનાવના પગલે આણંદ સાંસદ પણ ઘટના સ્થળે પહોંચ્યાં હતાં અને પરિવારને સાંત્વના આપી હતી.

વાસદના તારાપુર ધોરી માર્ગ પર પાયલ સિનેમા જવાના રસ્તા પર દિવાલની નજીક પાલિતાણાથી આવેલું શ્રમજીવી પરિવાર છાપરૂ બાંધીને રહેતું હતું. આ પરિવારે વરસાદી વાતાવરણથી બચવા બે દિવાલની વચ્ચે છાપરૂ બનાવીને છેલ્લા કેટલાક સમયથી રહેતું હતું. દરમિયાન ગુરૂવારના રોજ બપોરના સુમારે વરસાદના કારણે છાપરાને અડીને આવેલી દિવાલ એકાએક ધરાશાયી થઇ ગઈ હતી. જેના કારણે છાપરામાં રહેલા બે માસુમ ભાઈ – બહેન શક્તિ ઉર્ફે શકુબહેન વિનાભાઈ પરમાર (ઉ.વ.૭) અને ભોપા વિનાભાઈ પરમાર (ઉ.વ.૫) તથા વિનાભાઈ પરમાર દિવાલ નીચે દબાઇ ગયાં હતાં. આ ઘટનાથી આસપાસના લોકો દોડી આવ્યાં હતાં ને દિવાલનો કાટમાળ ખસેડીને ત્રણેયને બહાર કાઢી તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. જ્યાં ડોક્ટરે શક્તિ ઉર્ફે શકુબહેન અને ભોપાને મૃત્યુ પામેલા જાહેર કર્યાં હતાં. જ્યારે વિનાભાઈને ગંભીર ઇજા પહોંચતા સારવાર હેઠળ લેવામાં આવ્યાં હતાં. આ ઘટનાના પગલે વાસદ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે આ કરુણ ઘટનાને લઈને સાંસદ મિતેષભાઇ પટેલે પરિવારની મુલાકાત લીધી હતી અને સાંત્વના આપી તેમજ પાલિતાણા જવા માટેની વ્યવસ્થા પણ કરી આપી હતી વળી બનતી અન્ય સરકારી સહાય અપાવવા પણ ખાતરી આપી હતી.

ગુજરાત બ્યુરો ચીફ : ભાવેશ સોની

Related posts

Leave a Comment