સોમનાથમાં શાળા પ્રવેશોત્સવના પેહલા દિવસે 12,000 ભૂલકાઓને મળ્યા સોમનાથ મહાદેવના આશીર્વાદ

હિન્દ ન્યુઝ, સોમનાથ
     સમગ્ર રાજ્યમાં આજરોજ શાળા પ્રવેશોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે. નાના ભૂલકાઓ પેહલી વખત પોતાના ડગલા શાળા પરિસરમાં પાડી રહ્યા છે. અને વિદ્યા દેવી માતા સરસ્વતીની આરાધના રૂપે શિક્ષણ ગ્રહણ કરવા અગ્રેસર થઈ રહ્યા છે. ત્યારે પ્રવેશોસ્તવના પ્રણેતા અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં કાર્યરત સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભૂલકાઓને સોમનાથ મહાદેવનો પ્રસાદ અને આશીર્વાદ પહોંચાડીને શાળાએ આવકારવામાં આવ્યા હતા.
આ સાથેજ આજરોજ સોમનાથ મંદિર નજીક આવેલ પ્રભાસ પાટણ પે સેન્ટર શાળામાં સોમનાથ ટ્રસ્ટે ભૂલકાઓને સ્કૂલબેગ આપીને શાળાએ આવકાર્યા હતા અને તેમને સોમનાથ મહાદેવના આશીર્વાદ પહોંચાડ્યા હતા. પ્રભાસ પાટણ પે સેન્ટર શાળા ખાતે શાળા પ્રવેશોત્સવમાં પધારેલ ગુજરાત પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ બોર્ડના જોઇન્ટ ડિરેક્ટર એમ.કે.રાવલ દ્વારા સોમનાથ ટ્રસ્ટના આ વિતરણ કાર્યની સરાહના કરવામાં આવી હતી. તેઓએ જણાવ્યું હતું કે “સોમનાથ મહાદેવ જેમનો હાથ પકડે તેનાથી વધુ સૌભાગ્ય કંઈ ન હોઈ શકે. બાળકો ભાગ્યશાળી છે કે સોમનાથ ટ્રસ્ટ દ્વારા તેમને સોમનાથ દાદાએ યાદ કર્યા છે.”
ઉલ્લેખનીય છે કે સોમનાથ ટ્રસ્ટ દ્વારા અગાઉ જ શિક્ષણ વિભાગ અને વહીવટી તંત્ર સાથે સંકલન કરીને મહાદેવનો ચીકી પ્રસાદ બ્લોક રિસોર્સ કોર્ડીનેટરના માધ્યમથી ગામેગામ શાળાઓમાં પહોંચાડવામાં આવ્યો હતો. જ્યાં શિક્ષકો અને મહાનુભાવના હસ્તે બાળકોને ચીકી પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસાદ તેઓને પોષણ આપવામાં પણ મદદરૂપ થશે અને સોમનાથ મહાદેવનો આશીર્વાદ પણ બાળકોને મળ્યો હતો.

Related posts

Leave a Comment