હિન્દ ન્યુઝ, ભાવનગર
જૂન ૨૦૨૩ માં ચાલુ થતા શૈક્ષણિક સત્રમાં આર.ટી.ઇ. એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન યોજના અંતર્ગત ભાવનગર જિલ્લામાં શહેર કક્ષાએ ૧૧૪ અને તાલુકાઓમાં ૧૫૪ શાળાઓ મળી કુલ ૨૬૮ શાળાઓમાં કન્ફર્મ થયેલા વિદ્યાર્થીઓને આગામી તા. ૧૨, ૧૩ અને ૧૪ ના રોજ યોજાનાર શાળા પ્રવેશોત્સવ અંતર્ગત પ્રવેશ આપવામાં આવશે.
જેમાં ભાવનગર શહેરમાં પ્રથમ રાઉન્ડમાં ૯૯૩ અને બીજા રાઉન્ડમાં ૧૧૪ મળી કુલ વિદ્યાર્થીઓને ૧૧૦૭ અને ભાવનગર જિલ્લામાં બીજા રાઉન્ડમાં ૩૯૮ અને તાલુકાઓમાં ૨૩ મળી ૪૨૧ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. આમ જિલ્લામાં કુલ ૧૫૨૮ વિદ્યાર્થીઓને ૨૬૮ શાળાઓમાં રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત પ્રવેશ આપવામાં આવેલ છે.
રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે જરુરિયાતમંદ વર્ગના બાળકોને પણ પાયાનું શિક્ષણ યોગ્ય રીતે મળી રહે તે માટેનો કાયદો. આ કાયદાનું પાલન યોગ્ય અને અસરકારક થાય તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. જેનાં કારણે ભાવનગર જિલ્લામાં ચાલુ વર્ષે ૧૫૨૮ બાળકોને આર.ટી.ઇ. હેઠળ પહેલા ધોરણમાં પ્રવેશ મળશે. ઉપરાંત આ બાળકોને સર્વાંગી શિક્ષણ મળી રહે અને તેઓ ભારતનું ઉજ્જવળ ભાવિ બને તે માટેના તમામ પ્રયત્નો રાજ્ય સરકાર દ્વારા કરાઇ રહ્યા છે.