આર.ટી.ઓ. કચેરીમાં અનઅધિકૃત ઈસમોના પ્રવેશ પર પ્રતિબંધ મુકતું જાહેરનામું બહાર પડાયું

હિન્દ ન્યુઝ, ભાવનગર

ભાવનગર શહેરમાં આવેલ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (આર.ટી.ઓ) માં જાહેર જનતાને લગતી કામગીરી કરવામાં આવતી હોવાથી આર.ટી.ઓ કચેરીમાં રોજ મોટા પ્રમાણમાં નાગરીકો પોતાના કામ માટે આવતા હોય છે.

તાજેતરમાં આર.ટી.ઓ કચેરીમાં કેટલાક ઈસમો દ્વારા નાગરીકોને ભોળવીને લલચાવીને ગેરમાર્ગે દોરીને અનઅધિકૃત કામ કરાવી આપવાનું બહાનું કરીને નાગરીકોના નાણા પડાવતા અને છેતરતા હોવા અંગેની ફરીયાદો મળેલ છે. તેથી ભાવનગર શહેરમાં આવેલ આર.ટી.ઓ. કચેરીમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ નાગરીકોના હીત માટે થઈને નાગરીકોને ભોળવીને લલચાવીને કામ કરાવી આપવાનું બહાનું કરીને ગેરમાર્ગે દોરી લોકોને છેતરવાનું કૃત્ય કરતા અનઅધિકૃત ઈસમોના આર.ટી.ઓ કચેરીમાં પ્રવેશતા અટકાવવા માટે જાહેરનામુ બહાર પાડવા પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીશ્રી, ભાવનગર દ્વારા દરખાસ્ત રજુ થયેલ છે. જે વિગતેનું જાહેરનામું બહાર પાડવું જરૂરી જણાતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, ભાવનગર દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ -૧૯૭૩ (૧૯૭૪ નો બીજો અધિનિયમ) ના કાયદાની કલમ -૧૪૪ હેઠળ મળેલ સત્તાની રૂઈએ ફરમાવેલ છે કે, ભાવનગર શહેરમાં આવેલ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (આર.ટી.ઓ.) માં અનઅધિકૃત ઈસમોના પ્રવેશ પર પ્રતિબંધ મુકતું જાહેરનામું ૬૦ દિવસ માટે બહાર પાડવામાં આવેલ છે. આ જાહેરનામનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.

Related posts

Leave a Comment