નર્મદા જિલ્લાને ટીબી મુક્ત બનાવવા “Yes We Can End TB”ના સંકલ્પ સાથે “વિશ્વ ક્ષય દિવસ”ની કરાયેલી ઉજવણી

હિન્દ ન્યુઝ, નર્મદા

               રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત આજરોજ જિલ્લા ક્ષય કેન્દ્ર રાજપીપલા ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાની અધ્યક્ષતામાં “વિશ્વ ક્ષય દિવસ” ની ઉજવણી કરવામાં આવી હતી. “Yes We Can End TB”ની થીમ સાથે યોજાયેલા આ કાર્યક્રમને જિલ્લા પંચાયતના પ્રમુખના હસ્તે ખુલ્લો મૂકાયા બાદ સ્વામી નારાયણ ગુરૂકૂળ નર્સિંગ કોલેજ-એકતાનગરના તાલીમાર્થીઓએ ક્ષયના રોગ, લક્ષણો અને તેના નિદાન વિશે જાણકારી આપતું અને ટીબી જેવા રોગોને લઈને લોકોમાં પ્રવર્તતી ગેરમાન્યતાઓ-અંધશ્રદ્ધાને દૂર કરવાનો સંદેશો પાઠવતું નાટક પ્રસ્તુત કરી કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈના દિલ જીતી લીધા હતા. કાર્યક્રમને ખૂલ્લો મુકતા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વર્ષ-૨૦૨૫માં “ટીબી મુક્ત ભારત”ના આહવાનને સાચા અર્થમાં ચરિતાર્થ કરવા માટે માત્ર સરકાર જ નહીં પણ જન ભાગીદારી જરૂરી છે. જિલ્લામાંથી ટીબી જેવા હઠીલા રોગને જડમૂળથી સમાપ્ત કરવા માટે માનવતાવાદી અભિગમ અપનાવી સમાજના પ્રત્યેક નાગરિકો આ રોગ વિશે જાગૃત થાય અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તથા જિલ્લાના નાગરિકોએ નિક્ષયમિત્ર બનીને ટીબીથી પીડાતા લોકોને હુંફ આપવી જોઈએ. વધુમાં પ્રમુખએ ઉમેર્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારો વિવિધ યોજનાઓના અમલીકરણ થકી કામગીરી કરી રહી છે પરંતુ નર્મદા જિલ્લો આદિવાસી જિલ્લો અને મહત્વાકાંક્ષી જિલ્લો હોય નિક્ષય મિત્રો વધુ બને તો આ અભિયાનને સફળ બનાવી શકાશે. કારણ કે, ટીબી રોગનો ઇલાજ છે અને તેને હરાવી શકાય છે. તેથી જ નર્મદા જિલ્લાને ટીબી મુક્ત બનાવવા વધુમાં વધુ નિક્ષય મિત્રો બને તેમજ આ અભિયાનમાં સમગ્ર જિલ્લાના નાગરિકો સહભાગી બને તેવી સૌને અપીલ પણ કરી હતી.

જિલ્લા ક્ષય અધિકારી શ્રીમતી ડો.ઝંખનાબેન વસાવાએ વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કેમ થાય છે. જિલ્લામાં ટીબીના દર્દીઓની સંખ્યા અને હાલમાં કેવી પરિસ્થિતિ છે. જિલ્લામાં ટીબીની સારવાર માટેની ઉપલબ્ધ સુવિધાઓ, ટ્રુનાટ મશીન, એક્ષરે વાન સહિતની જાણકારી આપી વહેલું નિદાન વહેલી સારવારના સુત્રને સાર્થક કરવા જિલ્લામાં નાગરિકો ટીબી રોગની જરૂરી તપાસ કરાવી જરૂર જણાયે વહેલી તકે સારવાર કરાવે તો જિલ્લાને સાચા અર્થમાં ટીબી મુક્ત જિલ્લો બનાવી શકીશું. તેના માટેના જન આંદોલનમાં જિલ્લાવાસીઓને સહભાગી બનવા અપીલ કરી હતી. જિલ્લા ક્ષય કેન્દ્ર (જૂની સિવિલ હોસ્પિટલ) ખાતેથી ટીબીના રોગ અંગે લોકોમાં જાગૃતિ કેળવાય તેવા ઉમદા આશય સાથે જિલ્લા ક્ષય કેન્દ્રથી રેડક્રોસ સોસાયટી સુધી જનજાગૃતિ રેલી યોજાઈ હતી. આ રેલીમાં સ્વામી નારાયણ ગુરૂકૂળ નર્સિંગ કોલેજ-એકતાનગર અને નર્સિંગ સ્કૂલ જીતનગરના તાલીમાર્થીઓ, આરોગ્ય કર્મીઓ, આશાવર્કર બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા. વિવિધ સ્લોગનના ઉચ્ચારણ અને પ્લે-કાર્ડ, બેનર્સ સાથે રેલી શહેરના માર્ગો ઉપર ફરી હતી. આ કાર્યક્રમમાં મેડિકલ ઓફિસરઓ ડો. મનીષાબેન, ડો. હિરેન પ્રજાપતિ, ડો.ધનંજય વલવી, ડો. હેતલબેન, સ્વામી નારાયણ ગુરૂકૂળ નર્સિંગ કોલેજ-એકતાનગર અને નર્સિંગ સ્કૂલ જીતનગરના ટ્યૂટર્સ સહિત આરોગ્ય વિભાગના કર્મીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment