“રૂપા તે રંગની રેતી વેરાયેલી, પાસે વહે છે વહેણ વાંકડુ જી રે….” રેતશિલ્પ કલાકારોના કાંડાનું કૌવત નિહાળી આશ્ચર્યમાં ગરકાવ થયાં પ્રવાસીઓ

રેતશિલ્પ મહોત્સવ- ૨૦૨૩

હિન્દ ન્યુઝ, સોમનાથ

રૂપા તે રંગની રેતી વેરાયેલી, પાસે વહે છે વહેણ વાંકડુ જી રે…. કવિશ્રી બાલમુકુંદ દવેએ ભાઈ-બહેનનો પ્રેમ દર્શાવતી આ કવિતામાં રેતીને રૂપાના રંગની ઉપમા આપી છે. ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી, ગાંધીનગર દ્વારા આયોજીત રેતશિલ્પ-2023 મહોત્સવમાં આવી જ રૂપેરી રેતીને લઈ કલાકારોએ મહાશિવરાત્રિ નિમિત્તે શિવના સાન્નિધ્યમાં ઘૂઘવતા દરિયાકિનારે પોતાના કાંડાનું કૌવત દાખવી શિવનું સૌમ્ય સ્વરૂપ, જટાધારી રૂપ, સોમનાથ મંદિર, જી-૨૦ સમિટ વગેરે કૃતિઓ કંડારી હતી.

રેતી વડે કંડારાયેલી આ તમામ કૃતિઓ નિહાળી મુલાકાતીઓ આશ્ચર્યમાં ગરકાવ થયા હતાં. પોરબંદરના રેતશિલ્પ કલાકાર હરિશભાઈ લાખાણીએ સરકારનો આભાર માનતાં કહ્યું કે, “આ ભૂમિમાં શિવત્વ છે અને હું નસીબદાર છું કે મને મહાશિવરાત્રિ પર ભોળાનાથના ચરણોમાં મારી કલા દર્શાવવાની તક મળી. હું ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા એકાદમી અમદાવાદનો પણ આભાર માનું છું.

ગુજરાત રાજ્ય લલિતકલા એકાદમી સચિવ તેજાભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, આ શિવનું ધામ છે અને અહીં તમામ કલાકારોએ પોતાની કલા વડે ભગવાન શિવ પ્રત્યે પોતાની આરાધના વ્યક્ત કરી છે. પૂરતી એકાગ્રતા સાથે આ કલા દર્શાવવી એ પણ આકરા તપ સમાન છે. અહીં ફરવા આવતાં પ્રવાસીઓને પણ ભારતીય સંસ્કૃતિને માણવાની એક તક મળે એવો ગુજરાત સરકારનો વિનમ્ર પ્રયાસ છે.

Related posts

Leave a Comment