કોડિનારમાં યોજાયો વિજ્ઞાનમેળો, આકર્ષણનું કેન્દ્ર બન્યા બાળ વૈજ્ઞાનિકોના અનોખા ‘આવિષ્કાર’

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

કોડિનાર ખાતે આવેલી સોમનાથ સાયન્સ એકેડમીના વિશાળ પટાંગણમાં ગીર સોમનાથ જિલ્લા કક્ષાનો પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓ માટેનો ૮મો વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન મેળો યોજાયો હતો. જેમાં તમામ વિદ્યાર્થીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરાયા હતાં. બાળ વૈજ્ઞાનિકોના અનોખા આવિષ્કાર નિહાળી મુલાકાતીઓએ આશ્ચર્યનો અહોભાવ વ્યક્ત કર્યો હતો.

આ વિજ્ઞાનમેળામાં ઈ-હાઈવે, પવનઉર્જા, ડિફેન્સ સિસ્ટમ, ગાર્બેજ સિસ્ટમ, આયુર્વેદ ઔષધિઓના ઉપયોગ, સંચાલિકા પ્રણાલી, હવાશુદ્ધિકરણ સહિતના વિવિધ મુદ્દે ૩૦ પ્રાથમિક અને ૩૦ માધ્યમિક એમ કુલ ૬૦થી વધુ કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. વિજ્ઞાન સલાહકાર કિશોરકુમાર ચિત્રોડાએ જણાવ્યું હતું કે, તાલુકા કક્ષાએ પ્રથમ આવેલી બાળ વૈજ્ઞાનિકોની કૃતિઓને જિલ્લા કક્ષાના વિજ્ઞાનમેળામાં સ્થાન મળ્યું છે અને વિજેતા કૃતિઓને ક્રમશઃ ઝોનલ તેમજ રાજ્ય કક્ષાએ સ્થાન મળશે.

ત્રણ દિવસ દરમિયાન શિક્ષકો અને વિદ્યાર્થીઓની રહેવા-જમવાની વ્યવસ્થા કરનાર સોમનાથ સાયન્સ એકેડમીના પ્રમુખ કરસનભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, આવા જ્ઞાનસભર મેળાઓથી બાળકોમાં રહેલી આંતરિક પ્રતિભા ખીલી ઉઠે છે જે દેશ માટે ભવિષ્યમાં ફાયદાકારક છે. આજના વિદ્યાર્થીઓ ભારત માટે આવતીકાલનું સોનેરી ભવિષ્ય રચી શકે છે.

આ વિજ્ઞાનમેળામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એચ.કે.વાજા, જિલ્લા તાલીમ ભવન પ્રાચાર્ય પંપાણીયાભાઈ સહિતના શિક્ષણવિદો તેમજ અગ્રણીઓ, અધિકારીઓ અને કર્મચારીઓએ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો તો વિવિધ સ્કૂલોના વિદ્યાર્થીઓએ પણ બાળવૈજ્ઞાનિકોના આવિષ્કાર નિહાળી પ્રેરણાં મેળવી હતી.

Related posts

Leave a Comment