હિન્દ ન્યુઝ, ભાવનગર
જિલ્લા કલેક્ટર ડી. કે. પારેખનાં અધ્યક્ષ સ્થાને આજે ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક મળી હતી. ભાવનગર જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાએ રજૂ કરેલ મહુવા તાલુકાના ગળથર ગામનાં પ્રશ્નની જિલ્લા કલેક્ટર ડી. કે. પારેખે સંબંધિત અધિકારીઓને સત્વરે વિગતવાર અહેવાલ રજૂ કરવા સૂચના આપી હતી. જિલ્લા કલેક્ટરએ કે, વિવિધ વિભાગો પરસ્પરના સંકલન અને સહકારથી પ્રજાના પ્રશ્નોને અગ્રતા આપી તેનો સત્વરે ઉકેલ લાવે તેવો અનુરોધ કરતાં તેમણે રોડ, રસ્તા, ગટર, પાણી વગેરે જેવાં પ્રશ્નો સામાન્ય નાગરિકો સાથે સીધી રીતે જોડાયેલાં હોય છે, ત્યારે તેનો ઝડપથી અને સકારાત્મક ઉકેલ આવે તે જરૂરી છે. આ કામોમાં ઝડપ લાવવી સત્વરે પૂર્ણ કરવા માટે તેમણે ઉપસ્થિત અધિકારીઓને સૂચના પણ આપી હતી. કલેક્ટરએ પડતર તુમારોની સમીક્ષા, વસુલાતની સમીક્ષા, પેન્શન કેસોની સમીક્ષા, કોન્સોલીડેટેડ માહિતી, સ્વાગત કાર્યક્રમ, જિલ્લા અને તાલુકામાં આવેલ પ્રવાસન સ્થળોની ચકાસણી વગેરે અંગે ચર્ચાઓ પણ આ બેઠકમાં આપી હતી. ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠકમાં પદાધિકારીઓ તરફથી રજૂ થયેલા પ્રશ્નોની સમીક્ષા કરતાં કલેક્ટર દ્વારા જનપ્રતિનિધિઓના પ્રશ્નો પરત્વે વિશેષ લક્ષ્ય કેન્દ્રિત કરી, સમય મર્યાદામાં તે પ્રશ્નોનો નિકાલ લાવવાં ઉપસ્થિત અધિકારીશ્રીઓને તાકીદ કરી હતી. ભાવનગર જિલ્લા સેવા સદનનાં આયોજન ખંડમાં યોજાયેલી જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની આ બેઠકમાં ધારાસભ્ય શ્રીમતિ સેજલબેન પંડયા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભરતસિંહ ગોહિલ, પોલીસ અધિક્ષક ડો. રવીન્દ્ર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવા, નગરપાલિકા નિયામકશ્રી અજય દહીંયા, નિવાસી અધિક કલેક્ટર બી.જે.પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જયશ્રીબેન જરૂ, નાયબ જિલ્લા પોલીસ વડા , પ્રાંત અધિકારીઓ સહિતનાં જિલ્લા- તાલુકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
