મતદાર સ્લીપ વિતરણ સાથે મતદાન કરવા જાગૃત કરતાં અનોખા બી.એલ.ઓ.

હિન્દ ન્યુઝ, ભાવનગર 

 ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ અન્વયે જિલ્લા ચૂંટણી અઘિકારી અને જિલ્લા કલેકટર ડી. કે. પારેખનાં માર્ગદર્શન હેઠળ ભાવનગર જિલ્લામાં મતદાન વધારવા તંત્ર દ્વારા પ્રયત્નો હાથ ધરાઇ રહ્યા છે ત્યારે ભાવનગર જિલ્લાની સરતાનપર શાળાનાં શિક્ષક મહેશભાઇ પરમાર દ્વારા અનોખી રીતે મતદારોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.

જિલ્લા ચૂંટણી અઘિકારી અને જિલ્લા કલેકટર દ્વારા બી.એલ.ઓ. ને મતદાર સ્લીપ વિતરણની કામગીરી આપવામાં આવી હતી. આ કામગીરી હાથ ધરી ગામમાં મતદારોને મતદાર સ્લીપ વિતરણની સાથો સાથ લોકશાહીનો આધારસ્તંભ અવસર લોકશાહીનો જાગૃતિ અભિયાન હેઠળ લોકો મતદાન કરવા અંગે જાગૃત બને એ હેતુથી જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક મહેશભાઈ પરમાર દ્વારા “ચાલો સૌ મતદાન કરીએ” અભિયાન હેઠળ લોકો સ્વયંભૂ જાગૃત બની મતદાન કરે તે માટે અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતુ.

તળાજાની સરતાનપર શાળાના શિક્ષક મહેશભાઇ પરમાર અત્યાર સુધી ત્રણ હજારથી વધુ લોકોને મતદાન પ્રત્યે જાગૃત કરી ચૂક્યા છે. હમેશા નાવીન્ય વિચાર સાથે કામ કરવાની વૃતિ ધરાવતા ઇનોવેટિવ શિક્ષક મહેશભાઇ વ્યસનમુક્તિ, મહિલા સશક્તિકરણ અને આંગડવાડીની પ્રવૃતિઓ સાથે સંકળાયેલા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સરતાનપર શાળાના શિક્ષક મહેશભાઇ પરમાર અગાઉ જિલ્લાનાં શ્રેષ્ઠ શિક્ષકનો એવૉર્ડ મેળવી ચૂક્યા છે અને આ વર્ષે રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકનો એવૉર્ડ માટે નોમિનેટ પણ થયાં હતા.

બ્યુરો ચીફ (ભાવનગર) : ડૉ. હકીમ ઝવેરી

Related posts

Leave a Comment