હિન્દ ન્યુઝ, બોટાદ
બોટાદ જિલ્લામાં સમાવિષ્ટ ૧૦૬-ગઢડા તથા ૧૦૭-બોટાદ વિધાનસભા મતવિસ્તારની સામાન્ય ચૂંટણી પ્રથમ તબક્કામાં યોજાનાર છે. ત્યારે આજે શ્રીમતી આર.એ.કળથીયા વિદ્યાભવન ખાતે ૬૯૨ જેટલાં પ્રિસાઇડીંગ અને પોલીંગ ઓફિસરોને ફેઝ- ૨ નો તાલીમ વર્ગ યોજાયો હતો. જેમાં ૩૬૦ જેટલાં પ્રિસાઇડીંગ ઓફીસરોને સવારે અને ૩૩૨ પોલીંગ ઓફિસરોને બપોર બાદ ઇવીએમ અને વીવીપેટ તેમજ ચૂંટણી ફરજ સંદર્ભે તાલીમ આપવામાં આવી હતી.
આ તાલીમ વર્ગમાં આગામી વિધાનસભાની ચૂંટણી સંદર્ભે ધ્યાનમાં રાખવા જેવી મહત્વપૂર્ણ બાબતોની સમજ આપવામાં આવી હતી. આ લોકશાહીના પર્વમાં વિવિધ સરકારી વિભાગના પોલીંગ ઓફિસરોને ઇવીએમ-વીવીપેટનાં થીયરી તથા પ્રેકટીકલ બાબતો તેમજ જરૂરી વૈધાનિક ફોર્મ ભરવા જેવી બાબતો સહિતની કામગીરી અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ તાલીમમાં જનરલ ઓબ્ઝર્વર જી.શ્રીકાંતે ઉપસ્થિત રહી પ્રશ્નોતરી દ્વારા ચૂંટણીની કામગીરી વિશે વધુ માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.
આ તાલીમમાં માસ્ટર ટ્રેનર શરદભાઇ પીપાવત, કિરણભાઇ પીપાવત, ચંદ્રેશભાઇ મંડીર અને પીનાકીનભાઇ જોષી દ્વારા તાલીમ પૂરી પાડવામાં આવી હતી.
૧૦૭-બોટાદ મતદાર વિભાગનાં મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી દિપક સતાણી, બોટાદ (સીટી) મામલતદાર મકવાણા અને બોટાદ (ગ્રામ્ય) મામલતદાર એન.આઇ.બ્રહ્મભટ્ટ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.