હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
ગીર સોમનાથ જિલ્લામાં તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણી અંતર્ગત જૂદા જૂદા રાજકીય પક્ષો, ઉમેદવારો તથા તેમના ટેકેદારો દ્વારા ચૂંટણી પ્રચારમાં વેગ આવનાર છે ત્યારે કેટલીક વ્યક્તિઓ દ્વારા આદર્શ આચારસંહિતા તથા ચૂંટણી કાયદાનો ભંગ થતો હોય તેવા વાંધાજનક શોર્ટ મેસેજ સર્વીસીસ (SMSs) અન્ય વ્યક્તિઓને મોકલતા હોય છે. જેથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ગૃપ/બલ્ક એસ.એમ.એસના પ્રસારણને પ્રતિબંધિત કરવા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામા અનુસાર મોબાઈલ સર્વિસ આપતી કંપનીઓ જેવી કે, વોડાફોન, બીએસએનએલ, રિલાયન્સ/જીઓ, એરટેલ, આઈડિયા વગેરે કોઈપણ કંપનીઓ ગીર સોમનાથના વિસ્તારમાં તા.૨૯/૧૧/૨૦૨૨ના રોજ ૦૦.૦૦ કલાકથી તા.૦૧/૧૨/૨૦૨૨ના કલાક ૨૪.૦૦ સુધી કાયદાનો ભંગ થાય તેવા ચૂંટણીની આદર્શ આચારસંહિતાનો ભંગ થાય તેવા ભારતના ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલ સૂચનાનો ભંગ થાય તેવા અને મુક્ત તેમજ શાંતિપૂર્ણ ચૂંટણી પ્રક્રિયાને ખલેલ પહોંચાડે તેવા ગૃપ/બલ્ક એસ.એમ.એસના પ્રસારણને સંપૂર્ણપણે પ્રતિબંધિત કરશે.
આ જાહેરનામાનો ઉલ્લંધન કરનાર અથવા ઉલ્લંધન માટે મદદ કરનાર શખ્સ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે. તમામને વ્યક્તિગત નોટીસ બજવણી શક્ય ન હોય એકતરફી હુકમ છે. જેનું ઉલ્લંઘન સજાને પાત્ર ઠરશે. આ જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા તથા ફોજદારી કામ માંડવા માટે હેડકોન્સ્ટેબલ કે તેનાથી ઉપરના દરજ્જાનાં અધિકારીઓ અને ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલ કાર્યક્ષેત્ર ધરાવતા એક્ઝીક્યુટિવ મેજીસ્ટ્રેટને અધિકૃત કરવામાં આવે છે. આ જાહેરનામું ગીર સોમનાથ જિલ્લાના સમગ્ર વિસ્તારને લાગુ પડશે.