પ્રચાર અભિયાનની હંગામી કચેરી માટે આદેશો જારી કરાયાં

હિન્દ ન્યુઝ, ભુજ

આગામી વિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૨૨ની તારીખો જાહેર કરાઇ છે. જે મુજબ તા.૩/૧૧/૨૦૨૨થી ચુંટણીને અનુલક્ષીને આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે અને કચ્છ જિલ્લાના છ વિધાનસભા વિસ્તારમાં તા.૧/૧૨/૨૦૨૨ના રોજ મતદાન થનાર છે. ચુંટણીની કામગીરી તા.૩/૧૧/૨૦૨૨ થી તા.૧૦/૧૨/૨૦૨૨ સુધી ચાલશે. વિધાનસભા સામાન્ય ચુંટણીની કામગીરી દરમ્યાન આદર્શ આચાર સંહિતાના અમલ માટે જરૂરી જાહેરનામા બહાર પાડવા માટે ભારતના ચુંટણી પંચ તરફથી સૂચનાઓ આપવામાં આવેલ છે. ભારતના ચુંટણી પંચ તરફથી ચુંટણીઓ દરમ્યાન ચુંટણી ઉમેદવાર, રાજકીય પક્ષો અથવા
ઉમેદવારના કાર્યકરો દ્વારા શરૂ કરવામાં આવતી પ્રચાર અભિયાન માટેની હંગામી કચેરીઓના નિયમન બાબતે કચ્છ-ભુજ જિલ્લા મેજીસ્ટ્રેટ દિલીપ રાણા દ્વારા ફોજદારી અધિનિયમ-૧૯૭૩ કલમ-૧૪૪ થી તેમને મળેલ સતાની રૂએ સમગ્ર કચ્છ જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચુંટણી- ૨૦૨૨ સંદર્ભે પ્રચાર અભિયાન માટેની હંગામી કચેરી માટે ચુંટણી અધિકારીની પૂર્વ મંજુરી
મેળવવાની રહેશે. કોઇપણ રાજકીય પક્ષો/ઉમેદવારો, કાર્યકરો દ્વારા શરૂ કરવામાં આવતી પ્રચાર અભિયાન માટેની હંગામી કચેરીઓ બાબતે કોઇપણ એવી ઓફીસ જાહેર સ્થળોએ કે પ્રાઇવેટ સ્થળોએ દબાણ કરી શરૂ કરી શકાશે નહીં. કોઇપણ એવી ઓફીસ કોઇપણ ધાર્મિક સ્થળો અથવા ધાર્મિક સ્થળોના પ્રાંગણમાં શરૂ કરી શકાશે નહીં. કોઇપણ એવી ઓફીસ કોઇ શૈક્ષણિક સંસ્થા કે હોસ્પિટલની બાજુમાં શરૂ કરી શકાશે નહીં. કોઇપણ એવી ઓફીસ મતદાન બુથની ૨૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં શરૂ કરી શકાશે નહીં. કોવીડ-૧૯ અંતર્ગત કન્ટેન્મેન્ટ/માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં ઓફીસ શરૂ કરી શકાશે નહીં. મંજુરી બાદ જો વિસ્તારને કન્ટેન્મેન્ટ/માઇક્રો કન્ટેન્મેન્ટ જાહેર કરવામાં આવે તો મંજુરી આપો આપ રદ ગણાશે. કોઇપણ એવી ઓફીસ પર તેના પક્ષનો ફકત એક જ ધ્વજ અને પક્ષના પ્રતીક અને ફોટોગ્રાફ સાથે એક જ બેનર દર્શાવી શકાશે.આ જાહેરનામાનો અમલ તા.૧૦/૧૨/૨૦૨૨ સુધી કરવાનો રહેશે. કોઇ રાજકીય પક્ષ/ઉમેદવાર અથવા કોઇ વ્યકિત દ્વારા આ નિયમોનો ભંગ કરવામાં આવશે તો ભારતીય ફોજદારી ધારાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાપાત્ર કાર્યવાહીને પાત્ર ઠરશે.

Related posts

Leave a Comment