રાજયકક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે કચ્છ જિલ્લાના રૂ.૧૩૩ કરોડથી વધારેના કામોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત થયું

હિન્દ ન્યુઝ,ભુજ

        વિશ્વાસથી વિકાસયાત્રા અંતર્ગત અમદાવાદ ખાતેથી રાજયકક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે કચ્છ જિલ્લાના રૂ.૧૩૩ કરોડથી વધારેના કુલ ૫ વિભાગના તથા વિધાનસભા અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્યના હસ્તે ભુજ ખાતે જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં રૂ.૨૪ કરોડથી વધારેના અલગ અલગ ૯ વિભાગના કુલ ૪૯૭ વિકાસકામોનું ઇ- લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરાયું હતું. આમ કચ્છના લોકોને આજરોજ વિશ્વાસથી વિકાસયાત્રા અંતર્ગત રૂ.૧૫૮ કરોડના ૫૦૦થી વધુ વિકાસકાર્યોની ભેટ ડબલ એન્જિન સરકાર દ્વારા આપવામાં આવી હતી.

        આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષશ્રી ડો.નીમાબેન આચાર્યે જણાવ્યું હતું કે, બે દાયકામાં કચ્છનો ચોતરફ વિકાસ થયો છે. પ્રધાનમંત્રીશ્રીએ કચ્છ પર વિશેષ નજર રાખીને જિલ્લાને સર્વક્ષેત્રમાં વિકસિત કર્યો છે. ડબલ એન્જિનની સરકાર દ્વારા સત્તાનું નીચેના સ્તર સુધી વિકેન્દ્રીકરણ કરીને છેવાડાના ગામ સુધી સેવા પહોંચાડી છે. આ તકે તેમણે યુવાનોને પ્રોત્સાહિત કરતા આત્મનિર્ભર બનવા અપીલ કરી હતી. કચ્છને વિશ્વના નકશામાં મુકવાનો શ્રેય પ્રધાનમંત્રીને આપતા સરકારની મહિલાલક્ષી, ખેડુતો, બાળકો,યુવાનોથી લઇને વિવિધક્ષેત્રની યોજનાઓ અંગે લોકોને માહીતગાર કર્યા હતા. આ યોજનાઓના અમલીકરણમાં સક્રીયભુમિકા ભજવતા કર્મયોગીઓને પણ તેમણે બિરદાવ્યા હતા.

        આ પ્રસંગે સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતે સાચા અર્થમાં વિકાસ મોડલ બનીને ભારતને વિકાસ શું છે તેના દર્શન કરાવ્યા છે. તેમણે વડાપ્રધાનને યાદ કરતા ઉમેર્યું હતું કે,  ગુજરાતના સીએમથી લઇને દેશના પીએમ બનવા સુધીના આ વર્ષોમાં તેમણે ગુજરાત અને ભારતને વિકાસની કેડી પર દોડતા કરીને ભારતના મહાપુરૂષોના અંતિમ હરોળના વ્યકિતની સુખાકારીમાં વધારો કરવાના સપનાને સાકાર કર્યા છે.

        આ પ્રસંગે કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, ભુજ નગરપતિ ઘનશ્યામભાઇ ઠક્કર,  ભુજ તાલુકા પંચાયત પ્રમુખ મંજુલાબેન ભંડેરી,  ભચાઉ નગરપતિ લીલાવંતીબેન જોષી, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન મહેન્દ્રભાઇ ગઢવી, સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઇ હુંબલ, જિલ્લા કલેકટર દિલીપ રાણા, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી જી.કે.રાઠોડ, જિલ્લા આયોજન અધિકારી જે.કે.ચાવડા તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સમગ્ર સંચાલન મનન ઠક્કરે કર્યું હતું.

Related posts

Leave a Comment