હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
૧૫મી ઓગસ્ટના દિવસે આઝાદીનાં ૭૫ વર્ષ પૂર્ણ થયેલ હોય જે અન્વયે ગીર સોમનાથ જિલ્લામાં કુલ ૨૦ અમૃત સરોવરના કામ હાથ ધરવામાં આવેલ છે. જેમાં ઈન્દ્રોઈ ગામનો પણ સમાવેશ થાય છે. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં રંગેચંગે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થઈ ત્યારે વેરાવળ તાલુકાના ઇન્દ્રોઈ ગામે જોગી તળાવ અમૃત સરોવર પર વેરાવળ તાલુકા પંચાયત પ્રમુખ સરમણભાઈ વી. સોલંકીના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. અમૃત સરોવર હેઠળ વેરાવળ તાલુકાના કુલ ૨ ગામ બીજ અને ઈન્દ્રોઇનો પણ સમાવેશ થાય છે. સિંચાઇ વિભાગે જોગી તળાવની રૂપિયા ૬ લાખનાં એસ્ટીમેટમાં કામગીરી કરેલ છે.
આ કામગીરી અન્વયે તળાવને ઊંડું કરવાની સાથે જ આ સરોવરમાં પાણીનો સંગ્રહ થવાથી ખેડૂતોને ખેતલક્ષી પિયતમાં કૂવા બોરનાં પાણીના તળ ઊંચા આવ્યા છે. જેથી ખેડુતોને પિયત માટે પાણીની ઘટ રહેતી નથી. ખેડૂતોને પુષ્કળ પાણી મળવાથી કાચું સોનું પોતાની જમીનમાં ઉત્પન્ન કરી શકે આવા ઉત્તમ આશયથી સરકાર શ્રી તરફથી અમૃત સરોવરનાં સ્થળે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો.
આ ઉપરાંત ગીર-સોમનાથ જિલ્લામા વિરોદર, બોડીદર, લમધાર, મૂળ દ્વારકા, વિઠ્ઠલપુર, કદવાર, વડવિયાળા સહિતના ગામના અમૃત સરોવર પર ધ્વજવંદન કરવામા આવ્યુ હતું તો બીજ ગામે પણ મનરેગા યોજના હેઠળ તળાવ ઊંડું ઉતારવાનું કામ શ્રમિકો દ્વારા કરેલ છે. જેમાં પણ સરકાર તેમજ તાલુકા પંચાયત કચેરી ગ્રામ વિકાસ શાખા મનરેગા યોજના તરફથી અંદાજિત ૩૪ લાખ રૂપિયાનું માતબર રકમનું કામ થયેલ છે