હિન્દ ન્યુઝ, ભુજ
આજરોજ નખત્રાણા તાલુકાના નિરોણા ગામ ખાતે ૨૦ વર્ષનો વિશ્વાસ ૨૦ વર્ષનો વિકાસ વંદે ગુજરાત વિકાસયાત્રાના રથનુ ત્રીજા દિવસે આગમન થતાં ગામ લોકો દ્વારા સામૈયું કરીને ઉત્સાહભેર સ્વાગત કરાયું હતું.
આ પ્રસંગે અબડાસાના ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, યોજનાનો વધારેમાં વધારે લોકોને લાભ મળે અને લોકો સમૃદ્ધ બને તે જ આ સરકારનો ધ્યેય છે. આ તકે તેમણે સરકારની યોજનાઓ જેવી કે કૃષિ ધિરાણ યોજના, પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ યોજના, કિસાન સમ્માન નિધિ યોજના, પશુ સહાય યોજના, માતૃ શકિત યોજના, ખેતીવાડી વીજ કનેકશન અને વિવિધ યોજનાની સહાય યોજનાની માહિતી અને ચેક વિતરણ કર્યા હતા.
વંદે ગુજરાત કાર્યક્રમ હેઠળ નખત્રાણા તાલુકાના નિરોણા ગામે રૂ.૧.૧૦ કરોડના સીસીરોડ, ઈન્ટરલોક, ગટરલાઈન, પૂર સંરક્ષણ દિવાલ, શેડ, દિવાલ વગેરે કામોનું અબડાસા ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજાના વરદહસ્તે પ્રજાર્પણ કરાયાં હતાં. વંદે ગુજરાત વિકાસયાત્રા અંતર્ગત શાળામાં ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધાની પણ ઉજવણી કરવામાં આવી હતી અને પ્રમાણપત્ર આપવામાં આવ્યાં હતાં. આ વિકાસ રથ દ્વારા ગુજરાતની વિકાસગાથા અને ટૂંકી ફિલ્મ ગામલોકોને બતાવીને વિકાસનું વર્ણન દર્શાવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત આરોગ્ય કારોબારી ચેરમેનશ્રી કરસનજી જાડેજા, નખત્રાણા તાલુકા પંચાયત પ્રમુખ જયસુખભાઈ પટેલ, નખત્રાણા તાલુકા પંચાયત કારોબારી ચેરમેન મહેન્દ્રસિંહ જાડેજા, અગ્રણી સર્વ દિલીપભાઇ નરસંગાણી, હરિસિંહ રાઠોડ, જીતેન્દ્રસિંહ જાડેજા, કિરણભાઈ ભાનુશાલી, ડાહ્યાભાઈ પટેલ, રમેશભાઈ આહીર, વિરમભાઈ આહીર, વેલુભા જાડેજા નિરોણા સરપંચ નરોતમભાઈ આહીર, પાલનપુર બાડી સરપંચ પ્રવીણભાઈ છાભૈયા, નખત્રાણા વેટરનરી ઓફીસર એમ.કે.પટેલ, THO પ્રશાંતભાઇ, વિસ્તરણ અધિકારી મેહુલભાઇ પ્રજાપતિ, નિરોણા તલાટી એચ.એમ.પ્રજાપતિ, ગ્રામ પંચાયતના સભ્યો, અગ્રણીઓ, શિક્ષણગણ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં