બોટાદ જિલ્લામાં વિશ્વ યોગ દિવસ ૨૧ મી જૂનની ઉજવણી સંદર્ભે કલેકટર દ્વારા પ્રેસ કોન્‍ફરન્‍સ યોજાઈ

હિન્દ ન્યુઝ, બોટાદ

        આગામી તા. ૨૧ જૂને સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ, ગાંધીનગર તેમજ બોટાદ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્‍ત ઉપક્રમે વિશ્વ યોગ દિવસની ઉજવણી ‘માનવતા માટે યોગ’ થીમ પર થશે. જિલ્લા કક્ષાની ઉજવણી બોટાદ સરકારી હાઈસ્કૂલ, સ્ટેશન રોડ ખાતે થશે. જેમા ત્રણ હજારથી વધુ નાગરિકો હાજર રહેશે. જિલ્લાભરમાં થનારી આ ઉજવણી સંદર્ભે જિલ્લા કલેકટર બી.એ.શાહના અધ્‍યક્ષસ્‍થાને કલેકટર કચેરીના સભાખંડમાં પ્રેસ કોન્‍ફરન્‍સનું આયોજન કરવામાં આવ્યું હતું.

         જિલ્લા કલેકટર બી.એ.શાહે માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્‍યું હતું કે, તા.૨૧ જૂને જિલ્લા કક્ષાની ઉજવણી બોટાદ સરકારી હાઈસ્કૂલ ખાતે થશે, સાથોસાથ બોટાદ નગરપાલિકા કક્ષાએ તાલુકા શાળા, અવેડા ગેટ ખાતે ઉજવણી થશે તેમજ બોટાદ જિલ્લાના આઇકોનીક સ્થળ તરીકે વિહળાનાથની જગ્યા, પાળિયાદ તેમજ BAPS મંદિર, સાળંગપુરની પસંદગી કરવામાં આવી છે. ઉપરાંત નુતન કન્યા વિદ્યાલય-ગઢડા, દાદા ખાચર કોલેજ-ગઢડા, બરવાળા નગરપાલિકા મેદાન, ગદાણી હાઈસ્કુલ-રાણપુર તેમજ પ્રાથમિક અને પેટા આરોગ્ય કેન્દ્ર, જિલ્લા જેલ, જિલ્લા પોલીસ હેડ ક્વાટર અને પોલીસ મથકો ખાતે વિશ્વ યોગ દિનની ઉજવણી થશે.

વધુમાં શાહે જણાવ્યું હતું કે, આ ઉજવણીની શરૂઆતમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુલી સંબોધન કરશે. ત્યારબાદ ૪૫ મિનિટ સુધી લોકો યોગ સાધના કરશે. હાલની પરિસ્‍થિતીને ધ્‍યાને લઈ સોશિયલ ડિસ્‍ટન્‍સ સહિતની ગાઈડલાઈન સાથે આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસની ઉજવણી થશે. કોરોનાકાળના બે વર્ષ બાદ થનારી આ ઉજવણીમાં બોટાદ શહેર તેમજ તાલુકાના તમામ નાગરિકોને ઉત્‍સાહભેર જોડાવા બોટાદ કલેક્ટરએ અપીલ કરી છે. પત્રકાર પરિષદમાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મુકેશભાઈ પરમાર, જિલ્લા યુવા વિકાસ અધિકારી સીમાબેન ગાંધી, જિલ્લા રમત વિકાસ અધિકારી દિલીપભાઈ મિશ્રા, રમત ગમત અધિકારી એન.ટી.ગોહિલ તથા જિલ્લાના પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

 રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment