હિન્દ ન્યુઝ, બોટાદ
“એક વ્યક્તિનું રક્તદાન અનેક વ્યક્તિઓને જીવતદાન” આજના યુગમાં આ વાક્ય ખુબ જ યથાર્થ છે. રક્તદાનને મહાદાન કહેવામાં આવે છે કારણ કે રક્તદાતાનું એક યુનિટ લોહી લગભગ 3 જીવન બચાવી શકે છે, તેથી દરેક સ્વસ્થ વ્યક્તિએ રક્તદાન કરવું જોઈએ. કોઈપણ તંદુરસ્ત વ્યક્તિ વર્ષમાં ત્રણથી ચાર વખત રક્તદાન કરી શકે છે. માનવતાનાં આ ઉમદા કાર્ય સંદર્ભે સરકારશ્રી દ્વારા 17 સપ્ટેમ્બરે સ્વૈચ્છિક રક્તદાન અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આપણે પણ રક્તદાન કરીને અન્ય વ્યક્તિનું અમુલ્ય જીવન બચાવવામાં યોગદાન આપી શકીએ છીએ.
રક્તદાન માટે શું કરવું જોઈએ ?
રક્ત એ જીવનરક્ષક દવા છે જે કોઈ ફેક્ટરીમાં નથી બનતું, પરંતુ માનવ શરીર જ એની ફેક્ટરી છે.
અકસ્માત, કેન્સર,પ્રસુતિ, વિવિધ પ્રકારના ઓપરેશનો તથા થૅલેસેમિયા જેવા જન્મજાત ઉણપ ધરાવતા રોગ માટે રક્ત એ જીવતદાન આપનારું બની શકે છે. થેલેસેમિયાના દર્દીઓને આજીવન રક્ત ચડાવવું પડે છે. કારણ કે તેમના રક્તકણો ખામીયુક્ત હોવાથી તરત જ નાશ પામે છે. વિવિધ પ્રકારના કેન્સરમાં તથા તેની માટેની કેમોથેરેપીની આડઅસરમાં પણ રક્ત વગર દર્દીનો ઉપચાર શક્ય નથી. આ સિવાય પણ અનેક બિમારીઓ એવી છે જેમાં રક્ત ચડીવવાની અનિવાર્ય જરૂરિયાત રહેલી છે. ગર્ભવતી મહિલાઓને પ્રસુતિ દરમિયાન થઈ શકનારા જીવન જોખમી રક્તસ્ત્રાવમાંથી ઉગારવા માટે તાત્કાલિક બ્લડ ટ્રાન્સફ્યુઝન ખૂબ જ જરૂરી હોય છે
રક્તદાન કોણ કરી શકે ?
• 18થી 65 વર્ષ સુધીની ઉંમરની તંદુરસ્ત વ્યક્તિ.
• ઓછામાં ઓછું 45 કિલો વજન ધરાવતી વ્યક્તિ.
• રક્તદાન કરનાર વ્યક્તિમાં હિમોગ્લોબીનની પણ યોગ્ય ટકાવારી હોવી જરૂરી છે.
• હેપેટાઈટિસ બી, સી અને સિફિલિસ જેવા રોગની તકલીફ જીવનમાં ક્યારેય થઈ ન હોય તેમજ એચ.આઈ.વી. ટેસ્ટ નેગેટિવ હોય, તે જ વ્યક્તિ રક્તદાન કરી શકે છે.
રક્તદાન કરવાના ફાયદા :
આપણું રક્તદાન અન્ય લોકોના જીવન માટે વરદાન બની જાય છે. ત્યારે રક્તદાન કરવાના અનેક ફાયદા છે જેમાં મુખ્યત્વે
• રક્તદાન પૂર્વે કરાતું શારીરિક પરિક્ષણ અને લોહીની ચકાસણી દ્વારા સંભવિત સ્વાસ્થ્ય સમસ્યાને પકડી શકાય છે.
• નિયમિત રક્તદાન હૃદયના રોગો થવાની શક્યતા ઘટાડે છે.
• નિયમિત રક્તદાન કરવાથી શરીરમાં નુકસાનકારક તત્વોનો ભરાવો અટકાવી શકાય છે.
આ ઉપરાંત દરેક રક્તદાતા ની મેડિકલ તપાસ અને તેને લગતા પ્રશ્નોત્તરી દરેક બ્લડબેંકમાં કરવામાં આવતી હોય અને જે રક્તદાતા ફિટ હોય તેનું જ રક્તદાન સ્વીકારવામાં આવે છે. દરેક જાગૃત નાગરિકે દર ત્રણ મહિને, ચાર મહીને કે છ મહિને જે પણ સમય અનુકૂળ હોય તે પ્રમાણે સ્વૈચ્છીક રક્તદાન કરવું જોઈએ.
રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ