રસાયણો અને રોગોથી મુક્તિ અપાવી તંદુરસ્ત જીવનશૈલી પ્રદાન કરતી પ્રાકૃતિક ખેતી

હિન્દ ન્યુઝ, આણંદ

                 પ્રાકૃતિક ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કર્યા વગર કુદરતી ખાતરો અને જૈવિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને ખેતી કરવામાં આવે છે. પ્રાકૃતિક ખેતીમાં પ્રકૃતિના નિયમોનું પાલન કરીને અને કુદરતી રીતે ઉપલબ્ધ સંશાધનોનો ઉપયોગ કરીને ખેતી કરવામાં આવતી હોવાથી આ ખેતી પર્યાવરણને નુકસાન પહોંચાડતી નથી અને તેના દ્વારા ઉત્પાદિત ખોરાક આરોગ્યપ્રદ અને પૌષ્ટિક હોય છે.

            પ્રાકૃતિક ખેતીથી થતા ફાયદાઓની વાત કરીએ તો પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત ખોરાકમાં રાસાયણિક રસાયણોનો અભાવ હોય છે, જેથી તેના દ્વારા ઉત્પાદિત ખોરાક સ્વાસ્થ્યવર્ધક અને પોષણક્ષમ હોય છે. પ્રાકૃતિક ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ ન થતો હોવાથી, તે પર્યાવરણની જાળવણીમાં પણ ઉપયોગી બને છે તેમજ આ ખેતીમાં કુદરતી ખાતરો અને જૈવિક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી તે જમીનની ફળદ્રુપતા જાળવે છે અને પાણીના સંરક્ષણમાં મદદ કરે છે.

             સૌથી અગત્યની વાત તો એ છે કે પ્રાકૃતિક ખેતી ઓછા ખર્ચમાં વધારે ઉત્પાદન આપતી ખેત પદ્ધતિ છે અને ખેડૂતોને વધુ નફો પ્રાપ્ત થતો હોવાથી આ ખેડૂતોની આવકમાં વધારો કરે છે.

               પ્રાકૃતિક ખેતીમાં પાક સંરક્ષણ માટેની પદ્ધતિઓની વાત કરીએ તો તેમાં જીવામૃત, બીજામૃત, ઘનજીવામૃત તથા આચ્છાદન દ્વારા પાકને રોગ અને જીવાતથી સુરક્ષીત રાખવામા આવે છે. જેમાં જીવામૃત એ એક પ્રકારનું એવુ કુદરતી રીતે તૈયાર થતુ ખાતર છે જેમાં ગોમૂત્ર, ગાયનું છાણ, જમીન, પાણી અને છોડના અવશેષોનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે બીજામૃત એ એક પ્રકારનો બીજ સંરક્ષક છે જેમાં ગોમૂત્ર, દહીં અને જમીનનો ઉપયોગ કરવામાં આવે છે. તથા આચ્છાદનમાં ખેતરમાં પાકની વચ્ચે છોડના અવશેષો, પરાળ અથવા પ્લાસ્ટિકની શીટોનો ઉપયોગ કરવામાં આવે છે.
પ્રાકૃતિક ખેતી એ માત્ર ખેતી કરવાની એક પદ્ધતી નથી પરંતુ રસાયણથી અને રોગોથી મુક્તિ અપાવતી અને તંદુરસ્તી પ્રદાન કરતી જીવનશૈલી છે. જેમાં આપણે પ્રકૃતિ સાથે સુમેળ સાધીને જીવનને સુરક્ષીત રાખી શકીએ છીએ. આપણે પ્રકૃતિના સંસાધનોનો જરૂરીયાત મુજબ અને મર્યાદીત ઉપયોગ કરીને પર્યાવરણનું રક્ષણ કરીએ છીએ.

                આવનારા સમયમાં પ્રાકૃતિક ખેતી એ આપણા દેશ અને દેશવાસીઓના ભવિષ્ય માટે એક સંજીવની સમાન બની રહેશે તેમાં કોઇ શંકા નથી. એટલે જ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે માટે પ્રોત્સાહક પગલા લેવામાં આવી રહ્યા છે. 

Related posts

Leave a Comment