આણંદ તાલુકામાં “સ્ટોપ ધ પ્લાસ્ટિક ફલડ” થીમ અંતર્ગત પ્લાસ્ટિક પ્રદુષણ સામે જનજાગૃતિ અભિયાન હાથ ધરાયું

હિન્દ ન્યુઝ, આણંદ

                 આણંદ જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી શ્રી મયુર પરમાર દ્વારા આણંદ તાલુકાની શાળાઓમાં બાળકોને તથા તેમના વાલીઓને સાથે લઈને “સ્ટોપ ધ પ્લાસ્ટિક ફલડ” થીમ અંતર્ગત પ્લાસ્ટિક પ્રદુષણ સામે જનજાગૃતિ અભિયાન હાથ ધરાયું છે.

જે અંતર્ગત સમગ્ર તાલુકાની ૩૫૦ થી વધુ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ૫૦ હજારથી વધુ પ્લાસ્ટિક બોટલોનું કચરા સ્વરૂપે કલેક્શન કરવામાં આવ્યું છે. આ કલેક્શન ૧ લાખ પ્લાસ્ટિક બોટલો સુધી લઈ જવાનું લક્ષ્યાંક છે.

આ અભિયાનના ઉદ્દેશ્યને સાર્થક કરવાં પ્લાસ્ટિક પ્રદૂષણને કારણે પૃથ્વીનો સર્વનાશ થતો અટકાવવાની જવાબદારી આપણા સર્વની છે, તે બાબતને વૈજ્ઞાનિક રીતે, ચિત્ર સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા વગેરેના માધ્યમોથી હજારો વિદ્યાર્થીઓ સમજાવામાં આવી હતી. વધુમાં બાળકોએ આજીવન પ્રદૂષણની સામે લડવા માટેની મક્કમ તૈયારી બતાવી હતી.

આ અભિયાન હેઠળ પીએમ શ્રી પ્રાથમિક શાળા, હાડગુડમાં પ્લાસ્ટિકની બોટલ કલેક્શન અને જનજાગૃતિ તથા ઇનામ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે ઇનામ વિતરણ અને શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને પ્રશસ્તિપત્ર આપીને સન્માનવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં નાયબ મામલતદાર ચૈતન્ય સંઘાણી, બી.આર.સી. જલદીપ પટેલ, એસ.એમ.સી.અધ્યક્ષ અને સભ્યો તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

Related posts

Leave a Comment