બોટાદમાં પાકના રક્ષણ માટે કાંટાળી તારની વાડમાં ઈલેક્ટ્રિક શોર્ટ મુકનારાઓને વીજ તંત્રએ ચેતવણી આપી

હિન્દ ન્યુઝ, બોટાદ

અધિક્ષક ઈજનેર,પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ,વર્તુળ કચેરી,બોટાદની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે બોટાદ જિલ્લામાં પાકના રક્ષણ માટે કાંટાળી તારની વાડમાં ઈલેક્ટ્રિક શોર્ટ મુકવાથી માનવીઓ તથા પ્રાણીઓના મોતની વધેલી ઘટનાને પગલે વીજ તંત્રએ આવા કૃત્ય કરનારાઓને ગંભીર ચેતવણી આપી છે. બોટાદ પીજીવીએસએલના અધિક્ષક દ્વારા અપાયેલી જાહેર ચેતવણીમાં જણાવાયું છે કે, છેલ્લા ઘણા સમયથી ખેતરોમાં પાકના રક્ષણ માટે તારની વાડ(ફેન્સીંગ)માં વીજ જોડાણમાંથી ગેરકાયદેસર વાયર લગાવી પ્રાઈવેટ શોર્ટ મુકવાને કારણે બોટાદ જિલ્લામાં માનવી તથા પ્રાણીઓના વીજ અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે.વીજ જોડાણમાંથી આવા શોર્ટ મુકવા ગેરકાયદેસર તેમજ અનાધિકૃત છે અને તે વીજ અધિનિયમ હેઠળ ગુનો બને છે. આ ઉપરાંત જો આવા કારણોસર કોઈ વીજ અકસ્માત થશે તો તેની સંપૂર્ણ જવાબદારી આવા બિન અધિકૃત શોર્ટ મુકનાર/જગ્યાના માલિકની રહેશે અને ઈન્ડિયન પિનલ કોડ મુજબ હત્યાનો ગુનો બને છે. જેની જાહેર જનતાને ગંભીર નોંધ લેવા જણાવાયું છે.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment