હિન્દ ન્યુઝ, બોટાદ
પ્રવર્તમાન સમયમાં ભણતર બાદ રોજગારી મેળવવા માટેની સ્પર્ધામાં તીવ્ર વધારો જોવા મળી રહ્યો છે ત્યારે બોટાદ જિલ્લાની રોજગાર વિનિમય કચેરી દ્વારા કરવામાં આવતું કાર્ય ખરેખર સરાહનીય છે. જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા મે માસમાં અત્યાર સુધીમાં કુલ ૫ ભરતીમેળા યોજાઈ ચૂક્યા છે તેમજ હજુ એક મેળો યોજવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
આ બાબતે જિલ્લા રોજગાર અધિકારીશ્રી પી.કે.ત્રિવેદીએ જણાવ્યું હતું કે, “અમારી કચેરી દ્વારા પ્રતિ મહિને વધુમાં વધુ રોજગારઇચ્છુકોને નોકરી મળી રહે તે માટેના પ્રયાસો કરવામાં આવે છે. પહેલી મે ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીના ભાગરૂપે અમે આખો મહિનો ભરતીમેળા યોજવાનો નિર્ધાર કર્યો હતો, જે પૈકી મે માસ દરમિયાન અમે પાંચ ભરતીમેળા યોજ્યા છે. તા. ૧૨ મેના રોજ કોસોલ એનર્જી પ્રા. લી. અમદાવાદ દ્વારા કુલ ૨૨ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી. તા. ૧૩ના હોન્ડા મોટર્સ દ્વારા ભરતીમેળો યોજાયો હતો જેમાં ૪૧ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી. ઉપરાંત તા. ૨૦ના રોજ આર.એમ.પી. બેરિંગ્સ તથા મારુતિ ટેક્સપ્રોસેસ ઇન્ડિયા દ્વારા ભરતીમેળામાં ક્રમશઃ ૧૭ અને ૩૦ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી છે. તા. ૨૧ના રોજ સ્કાય ટેક્સટાઇલ્સ ઇન્ડિયા તથા એલ.આઈ.સી ઇન્ડિયા દ્વારા ક્રમશઃ ૪૬ તથા ૧૬ ઉમેદવારો અને તા. ૨૪ના હીરો મોટર્સ દ્વારા યોજાયેલ પસંદગી મેળામાં ૬ ઉમેદવારોને નોકરીની તક મળી છે. આમ કુલ ૧૭૮ યુવાનોને આ મહિને ભરતીમેળા દ્વારા નોકરીની તક મળી છે. રોજગાર કચેરી દ્વારા જિલ્લાના દરેક કુશળ યુવાનને રોજગારી મળે તે માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આગામી તારીખ ૩૧ મેના રોજ અંજાર ખાતેના એકમ વેલસ્પન ઇન્ડિયાની ૧૦૦ જેટલી જગ્યાઓ માટે ભરતી મેળો યોજવામાં આવનાર છે.
ઉલ્લેખનીય છે કે, જિલ્લા રોજગાર કચેરી દ્વારા દિવ્યાંગો માટે પણ સ્પેશિયલ જોબફેરનું આયોજન કરવામાં આવે છે જેથી કૌશલ્યયુક્ત દિવ્યાંગજનોને પણ રોજગારી મળી રહે. બોટાદ જિલ્લાની રોજગાર વિનિમય કચેરી સરકારના “હર હાથ કો કામ”ના મંત્રને ખરેખર સાકાર કરી રહી છે.
રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ