ત્યાગ, સમર્પણ, રાષ્ટ્રપ્રેમ, એકતા અને અખંડિતતાના સંસ્કાર ભાવનગરની ધરતીમાં ધડકે છે- રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

હિન્દ ન્યુઝ, ભાવનગર

ભાવનગર જન્મોત્સવ સમિતિ દ્વારા ઉજવાઇ રહેલાં ભાવનગરના ૩૦૦માં જન્મદિને ભાવેણાવાસીઓને ભાવસભર શુભેચ્છા પાઠવતાં રાજ્યપાલ

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભાવનગર જન્મોત્સવ સમિતિ દ્વારા ઉજવાઇ રહેલાં ભાવનગરના ૩૦૦માં જન્મદિને ભાવેણાવાસીઓને ભાવસભર શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, ત્યાગ, સમર્પણ, રાષ્ટ્રપ્રેમ, એકતા અને અખંડિતતાના સંસ્કાર ભાવનગરની ધરતીમાં ધબકે છે.

ભાવેણાવાસીઓને નગરની સ્થાપનાની ૩૦૦ મી વર્ષગાંઠ પ્રસંગે શુભેચ્છા પાઠવતાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતીઓ તેમની શાલીનતા, સભ્યતા અને ભારતીય મૂલ્યોનું જતન કરવાના શ્રેષ્ઠ પ્રયાસો માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, વિશ્વભરમાં ફેલાયેલાં ગુજરાતીઓએ વિશ્વને પોતીકું બનાવ્યું છે અને ગુજરાતીઓએ વિશ્વભરમાં ભારત દેશ સાથે ગુજરાત રાજ્યનું નામ પણ ગૌરવાન્વિત કર્યું છે.

રાજ્યપાલએ જણાવ્યું હતું કે, આજથી ૨૯૯ વર્ષ પહેલાં મહારાજા ભાવસિંહજીએ ભાવનગર શહેરની સ્થાપના કરી હતી અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ સરદાર વલ્લભભાઈ પટેલના એક અને અખંડ ભારતના નિર્માણના સંકલ્પને સાકાર કરવાં માટે ભાવનગર રાજ્યને સમર્પિત કરીને ભારત સંઘમાં જોડાનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું હતું. પ્રજાવત્સલ રાજવીના આ સમર્પણે ભાવનગરને ભારતવર્ષના ઈતિહાસમાં અનોખા સમર્પણ તરીકેનું નામ અંકિત કરી દીધું છે. જે અનાદીકાળ સુધી ચીરસ્મરણીય બની રહેશે. આ ત્યાગ, સમર્પણ અને રાષ્ટ્રભાવના સંસ્કાર નગરમાં આજે પણ અકબંધ છે

રાજ્યપાલએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત દેશનું યશોગાન વિશ્વભરમા ગુંજતું રહ્યું છે તે સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય વિશ્વ માટે વિકાસ પ્રેરણાનું કેન્દ્ર બને તેવી ભાવના પણ રાજ્યપાલએ આ પ્રસંગે વ્યક્ત કરી હતી.

ભાવનગરના જન્મદિનના ઉત્સવનો ઉત્સાહ નિરંતર રહે અને પ્રત્યેક નાગરિકના સુખ, શાંતિ અને સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય સાથે નગર વિકાસના નવા પરિમાણો હાંસલ કરે તેવી શુભકામના પણ રાજ્યપાલએ આ તકે પાઠવી હતી.

શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘણીએ જણાવ્યું કે, ભાવેણાની જન્મદિવસની ઉજવણી એવાં તળાવના કાંઠે થઈ રહી છે. જે ૮ કિ.મી.ની ત્રિજ્યા ધરાવે છે. રાજ્ય સરકાર દ્વારા સૌની યોજનાથી નર્મદાના જળથી ભરવામાં આવ્યું છે. જે ભાવનગરની તૃષા છીપાવી રહ્યાં છે. પાણીની અછત રાજ્યને ન પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા પાણીના પાણીદાર આયોજનનો આ સુદ્ઢ નમૂનો છે.

તેમણે જણાવ્યું કે, આ જન્મોત્સવ સમિતિનો કાર્યક્રમ નથી, પરંતુ ભાવેણાનો પોતાનો કાર્યક્રમ છે. લોકોની વચ્ચે જઈને આનંદ વહેંચવાનો આ અવસર છે.

તેમણે કહ્યું કે, ત્રણ દિવસ સુધી વિવિધ કાર્યક્રમો દ્વારા આ કાર્યક્રમની ઉજવણી કરી રહ્યાં છીએ. મુખ્યમંત્રી પણ આ કાર્યક્રમમાં કાલે સહભાગી થવાના છે.

ભાવેણાનો પોતાનો કાર્યક્રમ છે તેમ માનીને બાળકો માટે રાઈડ પણ ફ્રી રાખી છે. જેથી મોટાથી લઇ નાના બાળકો સુધી તેમાં ઉમંગ અને ઉત્સાહથી જોડાઈ શકે તેમ જણાવી તેમણે ઉમેર્યું કે, નાગરિકતા તથા ભાવનગરનો ધર્મ નિભાવીને અને આનંદ- ઉલ્લાસના આ કાર્યક્રમમાં ભાવનગરની જનતા સહભાગી થાય તે માટે આહવાન કર્યું હતું.

આ તકે મેયર શ્રીમતી કીર્તિબાળા દાણીધારીયાએ જણાવ્યું હતું કે, પ્રજાવત્સલ, પારદર્શી રાજાઓએ ભાવનગરનું ગૌરવ વધાર્યું છે. ભાવનગર શહેર કલા, સંસ્કૃતિનું નગર છે. ભાવનગરનો જન્મદિવસ ભવ્ય રીતે ઉજવી ઇતિહાસના ગૌરવને ફરીથી ઉજાગર કરવાનું કામ થઇ રહ્યું છે.

તેમણે ભાવનગરના જન્મદિવસની શુભકામનાઓ પાઠવતાં આ ઉજવણીમાં રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યાં છે તે ભાવનગર શહેર માટે ગૌરવની બાબત છે તેમ જણાવ્યું હતું.

પાર્થિવ ગોહેલ, કિંજલ દવે અને સાંઈરામ દવે તથા ભાવનગરના બાળકોએ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરી હતી. ભાવનગર વિશેની દ્રશ્ય-શ્રાવ્ય પ્રસ્તુતિ પજ્ઞ આ તકે રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે આભારવિધિ તારકભાઈ શાહે કરી હતી.

આ પ્રસંગે ધારાસભ્ય સર્વશ્રીઓ ભીખાભાઇ બારૈયા, કેશુભાઈ નાકરાણી, જિલ્લા ભા.જ.પ. પ્રમુખ મુકેશભાઈ લંગાળીયા, ડે. મેયર કૃણાલભાઇ શાહ, સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન ધીરૂભાઇ ધામેલીયા, ભાવનગરના યુવરાજ જયવિરરાજસિંહ ગોહિલ, જિલ્લા કલેક્ટર યોગેશ નિરગૂડે, જિલ્લા વિકાસ અધિકારી ડો.પ્રશાંત જિલોવા, ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર ડો.એમ.એમ.ત્રિવેદી, એસ.પી. ડો.રવિન્દ્ર પટેલ, એ.એસ.પી. સફિન હસન સહિતના પદાધિકારીઓ-અધિકારીઓ તથા ભાવેણાવાસીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment