હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
ગીર સોમનાથ જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યકક્ષાના પરિવહન મંત્રી અરવિંદભાઈ રૈયાણીની અધ્યક્ષતામાં જિલ્લા આયોજન મંડળની બેઠકમાં સમગ્ર જિલ્લામાં ૯.૩૬ કરોડના ખર્ચે ૩૪૯થી વધુ વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી છે
ઇણાજ ખાતેના જીલ્લા સેવા સદનની મળેલી આ બેઠકમાં મંત્રી રૈયાણીએ વિકાસના કામોની ગુણવત્તા સાથે બાંધછોડ નહીં કરવા અને સમયમર્યાદામાં કામો પૂર્ણ કરવાની સ્પષ્ટ સૂચના આપતા જણાવ્યું કે, જન અપેક્ષાઓને પૂર્ણ કરવા માટે નૈતિકતા અને જવાબદારી સાથે કામ કરવા અનિવાર્ય છે. પ્રજાલક્ષી કામોમાં બેદરકારી ન ચલાવી શકાય તેવી ટકોર કરતા મંત્રીએ વિકાસના કામો નબળા ન થાય તેની ખાસ તકેદારી લેવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. તેમજ પ્રજાકીય કામો માટે ચૂંટાયેલા જનપ્રતિનિધિ અને અધિકારીઓએ ખભે ખભો મિલાવી જનકલ્યાણના કામો કરવા જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા આયોજન મંડળના સભ્યોઓએ અને અધિકારીઓએ વિકાસના અને પ્રજાલક્ષી કામો માટે વિસ્તૃત ચર્ચા કરી હતી.
આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રામીબેન વાજા, ધારાસભ્ય પુંજાભાઇ વંશ, ભગવાનભાઈ બારડ, વિમલભાઈ ચુડાસમા, મોહનભાઈ વાળા, કલેક્ટર રાજદેવસિંહ ગોહિલ, જિલ્લા વિકાસ અધિકારી રવીન્દ્ર ખતાલે, જિલ્લા આયોજન અધિકારી એલ. એફ. અમીન, નગરપાલિકાઓના પ્રમુખ, તાલુકા પંચાયતોના પ્રમુખ સહિતના અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.