ધો- ૧૦ અને ધો- ૧૨ ની બોર્ડની પરીક્ષા તા. ૨૮ માર્ચ થી ૧૨ એપ્રિલ સુધી યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર

આગામી તા. ૨૮ માર્ચ થી તા. ૧૨ મી એપ્રિલ સુધી રાજ્યભરમાં ધો-૧૦ અને ધો-૧૨ ની બોર્ડની પરીક્ષાઓ યોજવામાં આવશે.

શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં આ અંગેની તૈયારીઓને આખરી ઓપ આપવાં માટે રાજ્યસ્તરીય વિડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભાવનગર કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી આ અંગેની વિડીયો કોન્ફરન્સમાં ભાવનગર કલેક્ટર યોગેશ નિરગુડે, ભાવનગર પોલીસ વડા જયપાલસિંહ રાઠૌર, શિક્ષણાધિકારી સર્વ એન. જી. વ્યાસ, જે.પી.મૈયાણી અને શિક્ષણવિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

આ બેઠકને સંબોધન કરતાં શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું કે, કોરોનાને કારણે શિક્ષણ પર ઘણી અસર પડી છે તેવાં સમયે આ બોર્ડની પરીક્ષાઓ યોજાઇ રહી છે. ગુજરાતમાં બોર્ડની પરીક્ષાનો એક અલગ જ હાઉ, ઉચાટ, ભય સાથે કારકિર્દી માટે તેના મહત્વ વગેરે પાસાઓને લઇને વાલીઓ સાથે વિદ્યાર્થીઓમાં પણ એક પ્રકારનો ભય હોય છે ત્યારે આ પરીક્ષાઓ નિર્ભય રીતે વિદ્યાર્થીઓ આપી શકે તેવાં વાતાવરણનું સર્જન કરવાં શિક્ષણ વિભાગ સજ્જ છે. તેમણે કહ્યું કે, જિલ્લા સ્તરે કલેક્ટરની અધ્યક્ષતામાં વિદ્યાર્થીઓનું કાઉન્સેલીંગ માટે જીવન આસ્થા હેલ્પલાઇન તથા વિદ્યાર્થીઓને મૂંઝવતાં પ્રશ્નો માટે રાજ્ય સહિત જિલ્લા સ્તરે હેલ્પલાઇન સહીતની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. તેનો વિદ્યાર્થીઓ લાભ લઇને પોતાની ચિંતાને હળવી બનાવવી જોઇએ.

શિક્ષણ બોર્ડ દ્વારા સી.સી.ટી.વી./ ટેબ્લેટ સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવનાર છે. સંવેદનશીલ અને અતિસંવેદશીલ કેન્દ્રો પર પોલીસ સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આ સિવાય પણ તમામ સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજરનું પણ પાલન કરવામાં આવનાર છે તેની વિગતો મંત્રીએ આપી હતી.

મંત્રીએ ગામડાના વિદ્યાર્થીઓ પણ સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચે તે માટે બસની વ્યવસ્થા સુનિશ્ચિત કરવાં માટેનું માર્ગદર્શન આપ્યું હતું. ભૂતકાળમાં પણ બોર્ડ દ્વારા સફળતાપૂર્વક આ પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે આગોતરી રીતે આયોજન કરીને પરીક્ષા શાંતિમય વાતાવરણમાં ભયમુક્ત રીતે યોજવાં રાજ્ય સરકાર કટિબધ્ધ છે તેની રૂપરેખા તેમણે આપી હતી. આ વિડીયો કોન્ફરન્સનું સંચાલન બોર્ડના અધ્યક્ષ એ.જે. શાહે કર્યું હતું. એસ.ટી. નિગમના એમ.ડી. એમ.એ. ગાંધી, અધિક પોલીસ મહાનિર્દેશક કોમર, સચિવ નિપૂર્ણા તોરવણે, શિક્ષણ સચિવ ડો. વિનોદ રાવે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં બોર્ડની પરીક્ષા સાથે સંકળાયેલાં જીલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

સુનિલ પટેલ

ભાવનગરમાં કુલ-૬૬,૦૩૦ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે

આગામી તા. ૨૮ માર્ચ થી તા. ૧૨ એપ્રિલ સુધી યોજાનાર બોર્ડની પરીક્ષામાં ભાવનગર જિલ્લામાં ૨,૨૬૭ બ્લોક અને ૨૨૫ બિલ્ડીંગોમાં કુલ ૬૬,૦૩૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધો- ૧૦ માં રેગ્યુલર અને રીપીટર મળી કુલ-૪૩,૩૨૭ વિદ્યાર્થીઓ, ધો-૧૨ સામાન્ય પ્રવાહમાં ૧૮,૦૨૫ વિદ્યાર્થીઓ તેમજ વિજ્ઞાન પ્રવાહમાં ૪,૬૭૮ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

ભાવનગરમાં વિદ્યાર્થીઓના કાઉન્સેલીંગ માટે હેલ્પલાઇનની શરૂઆત કરાશે

ધો-૧૦ અને ધો-૧૨ ની બોર્ડની પરીક્ષાઓને લઇને વિદ્યાર્થીઓ એક પ્રકારની તાણ અનુભવતાં હોય છે. વિદ્યાર્થીઓને તેમાંથી મુક્તિ મળે અને તેઓ શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપી શકે તે માટે જરૂરી માર્ગદર્શન મળી શકે તે માટે ફોન. નં. ૦૨૭૮-૨૪૨૬૬૨૯ આગામી તા.૨૭-૦૩-૨૦૨૨ થી સવારેઃ ૭-૦૦ થી રાત્રે ૯-૦૦ વાગ્યા સુધી કાર્યરત રહેશે.

આ કંટ્રોલ રૂમ જિલ્લા શિક્ષણાધીકારીની કચેરી, જિલ્લા સેવા સદન-૨, એનેક્ષી બિલ્ડીંગ, એસ-૪,૫,૬, બીજે માળ, બહુમાળી ભવન, નિલમ બાગ સર્કલ, ભાવનગર ખાતે કાર્યરત રહેશે.

પરીક્ષાર્થીઓ, વાલીઓ તેમજ શાળાઓના પ્રશ્નો સાંભળીને જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે તેમ જિલ્લા શિક્ષણાધિકારીએન. જી. વ્યાસે જણાવ્યું છે.

ભાવનગર ખાતે પરીક્ષાને લઇને નવી શરૂઆત

વિદ્યાર્થીઓ ધો-૧૦ અને ધો-૧૨ ની બોર્ડની પરીક્ષાઓ ભયમુક્ત વાતાવરણમાં નિર્ભય થઇને આપી શકે તે માટે ભાવનગર જિલ્લામાં ૧૨ ખાસ સલાહકાર અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે. વાલીઓ, શાળાઓ, ખંડ નિરીક્ષકો અને શાળા સંચાલકો આ અધિકારીઓ પાસેથી માર્ગદર્શન મેળવી શકશે.

આ ઉપરાંત ભાવનગરમાં પરીક્ષા કેન્દ્રો પર આશા વર્કર અને મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરોની નિમણુંક કરવામાં આવનાર છે જેથી આરોગ્યની લગતી કોઇપણ આકસ્મિક સ્થિતિમાં પહોંચી વળી શકાય અને વિદ્યાર્થીઓને ત્વરિત સારવાર સહાય આપી શકાય

ધો-૧૦ અને ધો-૧૨ ની બોર્ડની પરીક્ષાઓને લઇને તમામ આગોતરી તૈયારી કરવામાં આવી છે-કલેક્ટર યોગેશ નિરગુડે

તા. ૨૮ મી માર્ચથી ભાવનગર જિલ્લામાં શરૂ થઇ રહેલી બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ નિર્ભિક વાતાવરણમાં શાંતિથી પરીક્ષા આપી શકે તે માટેની તમામ તૈયારી કરી લેવામાં આવી છે. કલેક્ટર દ્વારા આ માટે બોર્ડની પરીક્ષાના સંકલન અને સંચાલન સાથે સીધી રીતે સંકળાયેલા શિક્ષણ વિભાગ, પોલીસ વિભાગ તેમજ એસ.ટી. તંત્ર સાથે જરૂરી સંકલન માટેની બેઠકમાં કલેક્ટરએ જણાવ્યું કે, કોઇપણ પરીક્ષા જીવનની આખરી પરીક્ષા હોતી નથી. આપણાં હાથમાં મહેનત કરવાનું હોય છે. તેનું ફળ શું આવશે તેની ચિંતા વગર વિદ્યાર્થીઓ પોતાની મહેનત ઝોંકીને સફળતાપૂર્વક વિદ્યાર્થીઓ પરીક્ષા આપે તેવી અપીલ પણ કલેક્ટરએ કરી છે. તેમણે કહ્યું કે, વિદ્યાર્થીઓને હળવાશ અનુભવાય અને શાંતિથી પરીક્ષા આપી શકાય તે માટે જિલ્લા તંત્ર દ્વારા જરૂરી તમામ વ્યવસ્થાઓ ચકાસી લેવામાં આવી છે. દરેક પરીક્ષા કેન્દ્ર પર સી.સી.ટી.વી., સંવેદનશીલ અને અતિસંવેદનશીલ કેન્દ્ર પર વિશેષ પોલીસ બંદોબસ્ત, ઉનાળાની સ્થિતીને ધ્યાનમાં લઇને પાણીની પૂરતી વ્યવસ્થા, લાઇટની વ્યવસ્થા, વિદ્યાર્થીઓને પરીક્ષા મથક સુધી આવવાં એસ.ટી. બસની સુવિધા સહિતની વ્યવસ્થાઓ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. આ ઉપરાંત સંવેદનશીલ જણાય તેવાં કેન્દ્રો પર વર્ગ-૧ અને વર્ગ-૨ ના અધિકારીઓની પણ નિમણૂંક કરવામાં આવનાર છે.

આમ, સમગ્રતયા પરીક્ષા શાંતિપૂર્ણ રીતે અને નિર્ભિક વાતાવરણમાં યોજાય તે માટે તંત્ર સુસજ્જ છે તેની વિગતો કલેક્ટર આપી હતી.

બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment