તળાજા તાલુકાના ઠળિયા ગામે સાંસદ શ્રીમતી ડો. ભારતીબેન શિયાળના અધ્યક્ષસ્થાને સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર

આરોગ્ય વિભાગ, ભાવનગર દ્વારા તળાજા તાલુકાના ઠળિયા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સાંસદ શ્રીમતી ડો. ભારતીબેન શિયાળના અધ્યક્ષસ્થાને સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સર્વ રોગ નિદાન કેમ્પને ખુલ્લો મુકતાં સાંસદએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સમગ્ર રાજ્યમાં અને દેશમાં લોકોની સુખાકારી વધે અને આરોગ્ય સ્થિતિમાં વ્યાપક ફેરફાર આવે તે માટે આયુષ્યમાન કાર્ડ, ફ્રી નિદાન કેમ્પ, વ્યાપક રસીકરણપ સહિતના પગલાઓ તેમજ દરેક જિલ્લામાં હોસ્પિટલો સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે. જેના કારણે આજે દેશમાં આરોગ્ય ક્ષેત્રે મોટું પરિવર્તન આવ્યું છે. ગ્રામીણ સ્તર અને છેવાડાના લોકો સુધી આરોગ્યની અદ્યતન સારવાર સુવિધા ઉપલબ્ધ બને તે માટે વિવિધ અભિયાનો અને સમયાંતરે વિવિધ કેમ્પો દ્વારા પણ આરોગ્યની સુવિધાઓ પહોંચાડવામાં અને તેને વધુ સુધારવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. બાળકો માટે મિશન ઇન્દ્રધનુષ, કોરોના કાળમાં અને કોરોના બાદ પણ દેશમાં સઘન રસીકરણ દ્વારા લોકોમાં અગાઉથી જ રોગપ્રતિકારક શક્તિ વધે તે માટેના લેવામાં આવી રહેલા પગલાઓ વિશેની તેમણે સમજ આપી જણાવ્યું કે, ન માત્ર આરોગ્ય ક્ષેત્ર પણ સમાજને સ્પર્શતા તમામ ક્ષેત્રનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. રાજ્ય અને દેશમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, જિલ્લા કક્ષાની હોસ્પિટલો, વિશિષ્ટ પ્રકારની હોસ્પિટલો વગેરે દ્વારા દેશમાં સુદ્ઢ આરોગ્ય માળખું ઉભુ કરવામાં આવ્યું છે, તેની સમજ આપતાં તેમણે કહ્યું કે, દેશના નાગરિકો નિરામય અને તંદુરસ્ત બને તે જ રાજ્ય અને કેન્દ્ર સરકારનો લક્ષ્ય છે.

તેમણે જણાવ્યું કે, જો નાગરિક તંદુરસ્ત હશે તે પૂરી ક્ષમતાથી કાર્ય કરી શકશે અને જો તેની પૂરી ક્ષમતાથી કાર્ય કરશે તો તે જે-તે વ્યક્તિના વ્યક્તિગત સાથે રાજ્ય અને દેશના વિકાસમાં ખૂબ જ નિર્ણાયક અને અસરકારક સાબિત થશે. સાંસદએ આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત કરવામાં આવેલા આ મેગા સર્વ રોગ નિદાન- સારવાર કેમ્પને આયોજીત કરવાં માટે આરોગ્ય વિભાગને અભિનંદન પાઠવ્યાં હતાં તેમણે આરોગ્ય કર્મચારીઓને તેમની અહર્નિશ સેવાઓને બિરદાવી હતી.

આ સર્વરોગ નિદાન કેમ્પમાં હૃદયરોગ, બી.પી., ડાયાબિટીસની સારવાર, આંખને લગતાં તમામ રોગોની સારવાર, નવજાત શિશુની સારવાર, સ્ત્રી રોગને લગતી સારવાર, સ્નાયુ- સાંધાના મણકાને લગતી સારવાર, ચામડી અને વાળને લગતાં રોગોની સારવાર, દાંતના રોગોની સારવાર એમ વિવિધ રોગોની સારવાર તદ્દન નિઃશૂલ્ક પૂરી પાડવામાં આવી હતી

આ કેમ્પમાં આયુર્વેદ ચિકિત્સાપદ્ધતિથી પણ સર્વ રોગોનું નિદાન અને સારવાર કરવામાં આવી હતી. આ ઉપરાંત લોકોને નવું આયુષ્યમાન કાર્ડ કાઢી આપવું, રસીકરણ તેમજ ઉકાળાનું વિતરણ વગેરે સેવાઓ પણ પૂરી પાડવામાં આવી હતી.

આ કેમ્પમાં ૨૦૦૦ થી વધુ લાભાર્થીઓએ આરોગ્યની‌ સેવાઓનો લાભ લીધો હતો. મહિલાઓના સ્તન કેન્સર, સર્વાઇકલ કેન્સરના નિદાન માટે કેન્સર હોસ્પિટલ, અમદાવાદથી આવેલી નેશનલ રૂરલ હેલ્થ મિશનની ખાસ સંજીવની વાન દ્વારા તપાસણી કરાઈ હતી.

આ સર્વરોગ નિદાન કેમ્પમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલ અને જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એ. કે. તાવિયાડે કેમ્પ આયોજન તથા તેના લાભો વિશે પ્રાસંગિક માહિતી પૂરી પાડી હતી.

આ પ્રસંગે જિલ્લા ભા.જ.પ. પ્રમુખ મુકેશભાઈ લંગાળિયા, આરોગ્ય સમિતિના ચેરમેન વિક્રમભાઇ ડાભી, બાંધકામ સમિતિના ચેરમેન રાજનભાઈ ભટ્ટ તથા સ્થાનિક આગેવાનો અને તળાજા તાલુકાના વિવિધ ગામના લોકો મોટા પ્રમાણમાં આરોગ્ય સેવાનો લાભ લેવાં માટે ઉપસ્થિત રહ્યાં હતાં.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment