રાજપીપલા ખાતે માતૃભાષા સજ્જતા અને સર્જનાત્મક્તા ચિંતન શિબિર સાથે વિશ્વ માતૃભાષા દિવસની કરાયેલી ઉજવણી

હિન્દ ન્યુઝ, રાજપીપલા

         નર્મદા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તથા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે તા.૨૧ મી ફેબ્રુઆરી,૨૦૨૨ ના રોજ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી નિમિત્તે આજે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ખાતે માતૃભાષા સજ્જતા અને સર્જનાત્મક્તા ચિંતન શિબિર યોજાઇ હતી. જેને DIET ના પ્રાચાર્ય એમ.જી.શેખ, નિવૃત્ત જિલ્લા શિક્ષણાધિકારી અને સાહિત્યકાર નૈષધ મકવાણા, જિલ્લા શિક્ષણાધિકારી જયેશ પટેલ, રાજપીપલા એમ.આર.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના ગુજરાતી વિભાગના ડૉ. એસ.કે.પટેલ અને ગુજરાતી વિષયના શિક્ષકોની ઉપસ્થિતીમાં દિપ પ્રાગટ્ય ધ્વારા ખૂલ્લી મૂકાઇ હતી.

 

         વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સૂચન મુજબ માતૃભાષાના સારા પાસાંની ચર્ચા શિક્ષકો ધ્વારા વિદ્યાર્થીઓ સુધી પહોંચે તેવા ઉમેદા હેતુ સાથેના પ્રયાસોના ભાગરૂપે રાજપીપલા ખાતે નર્મદા જિલ્લાની સરકારી/ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ગુજરાતી વિષય ભણાવતાં શિક્ષકોની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત ચિંતન શિબિરના જુદા જુદા સત્રમાં માતૃભાષા સજ્જતા અને સર્જનાત્મક્તાને આવરી લેતાં વિવિધ પાસાંઓ અંગે નિવૃત્ત જિલ્લા શિક્ષણાધિકારી અને સાહિત્યકાર નૈષધ મકવાણા, રાજપીપલા એમ.આર.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના ગુજરાતી વિભાગના વડા ડૉ. એસ.કે.પટેલ, સરકારી વિનયન કોલેજ-નેત્રંગના પ્રો. જશવંતભાઇ રાઠવા, નિવૃત્ત શિક્ષક અને પત્રકાર દિપકભાઇ જગતાપ અને સેલંબા હાઇસ્કૂલના શિક્ષક મોહનભાઇ રોહીત વગેરેએ તેમના વક્તવ્ય રજૂ કર્યાં હતાં. ઉક્ત ચિંતન શિબિરના અંતિમ સત્રમાં કવિ સંમેલનનો કાર્યક્રમ પણ યોજાયો હતો.

રિપોર્ટર : હિતેન્દ્ર વાસદિઆ, રાજપીપલા

Related posts

Leave a Comment