દરબારગઢ પેલેસ ખાતે અંતિમ દર્શન બાદ અંતિમ યાત્રા નીકળશે
હિન્દ ન્યુઝ, ગોંડલ
ગોંડલ સ્વપ્ન દ્રષ્ટા મહારાજા સર ભગવતસિંહજીના પ્રપૌત્ર નેકનામદાર મહારાજા જ્યોતેન્દ્રસિંહજી સાહેબ ઓફ ગોંડલની સોમવાર ના સવારે ૯-૦૦ કલાકે હજુર પેલેસ ખાતે તબિયત નાદુરસ્ત થવા પામી હતી દરમ્યાન જ તેઓને હૃદય નો તીવ્ર હુમલો આવતા ૮૪, વર્ષની વયે તેમનું નિધન થયું હતું આ વેળા એ મહારાણી સાહેબ કુમુદકુમારીજી તેમજ યુવરાજ સાહેબ હિમાંશુસિંહજી પણ હાજર હતા મહારાજ સાહેબ ના નિધન થી રાજવી પરિવાર સાથોસાથ ગોંડલ રાજ્યમાં પણ ઘેરો શોક ફેલાઈ જવા પામ્યો હતો. મહારાજા સાહેબના નિધન ને લઈ નગરપાલિકા કચેરી, કોલેજ સહિત ની સંસ્થાઓ માં રજા જાહેર કરી દેવામાં આવી હતી.
રાજવી પરિવાર દ્વારા દરવાર ગઢ મોટી બજાર ખાતે સાંજે ૪ થી ૫ દરમ્યાન અંતિમ દર્શન રાખવામાં આવ્યા છે ત્યારે બાદ ત્યાંથી સ્મશાન યાત્રા નીકળશે તે પહેલા રાજવીકુળ ની પરંપરા મુજબ યુવરાજ હિમાંશુસિંહજીની તિલક વિધિ કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું.
મહારાજા સર ભગવતસિંહજી ની ત્રીજી પેઢી એ જ્યોતીન્દ્રસિંહજી પ્રપૌત્ર હતા, ભગવતસિંહજી ના પુત્ર ભોજરાજસિંહજી તેમના પુત્ર વિક્રમસિંહજી અને તેમના પુત્ર જ્યોતેન્દ્રસિંહજી હતા.
ગોંડલ રાજવી પરિવારનું વિન્ટેજ કાર કલેક્શન વિશ્વ વિખ્યાત છે અને ગુજરાત નું પ્રથમ કક્ષાનું ગણાય છે મહારાજા જ્યોતીન્દ્રસિંહ કારના શોખીન હતા દેશ વિદેશમાં યોજાતી કાર રેસ માં ભાગ લઈ અનેક ટ્રોફીઓ મેળવી હતી.
રિપોર્ટર : આશિષ વ્યાસ, ગોંડલ