શુદ્ધ હવા-ખોરાક મળવાની સાથે ખેતિ સાથે સંકળાયેલા હોવાથી ખેલાડીઓની શારીરિક ક્ષમતા વિકસે છે : સીનીયર કોચ કાનજી ભાલીયા

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

           રાજ્યમાં ગીર સોમનાથ જિલ્લો રમત-ગમત ક્ષેત્રે જુદી ભાત પાડે છે. અહિંયાથી રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય અનેક ખેલાડીઓ નીકળ્યા છે. તેની પાછળના કારણો જણાવતા ગીર સોમનાથ જિલ્લાના સીનીયર કોચ કાનજી ભાલીયા કહે છે કે, ગીર સોમનાથ જિલ્લો શહેરી વાતાવરણથી દૂર છે. અહિંયા લોકોને શુદ્ધ હવાની સાથે સાત્વિક ખોરાક મળે છે. તેમજ મોટાભાગના પરિવારો ખેતિ સંકળાયેલા છે. જેથી સખત મહેનતવાળું ખેતિ કામ કરતાં હોવાથી તેમની શારીરિક ક્ષમતા વિકસે છે. ઉપરાંત આ જિલ્લામાં ડુંગરાળ પ્રદેશ, ગીરનું જંલગ અને દરિયા કિનારો પણ આવેલો છે. આમ, એક અલગ આબોહવા જોવા મળે છે. જેથી પ્રકૃતિદત્ત અહિના લોકો શારીરિક રીતે ખડતલ જોવા મળે છે. ગીર સોમનાથ જિલ્લાના શ્રેષ્ઠ દેખાવ કરી ચૂકેલા ખેલાડીઓની સૂચિ આપતા ભાલીયા કહે છે કે, જૂડોમાં અંકિતા નાઘેરા, અલ્પા વાઢેર, અર્ચના નાઘેરા, રોહિત મજગુલ અને યોગામાં ભારતી સોલંકી, અલ્પા વાળાએ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાએ મેડલ મેળવ્યા છે. વોલીબોલમાં તો ગીર સોમનાથ જિલ્લામાંથી બે-બે સગી બહેનો ભારત તરફથી રમી છે. જેમાં કિંજલ અને પરિતા સગી બહેનો છે. તેમજ ચેતના અને શીલ્પા સગી બહેનો છે. તેમાંથી કિંજલ વાળા અને ચેતના વાળાએ તો ભારતની વોલીબોલ ટીમનું નેતૃત્વ કર્યું છે. ઉપરાંત રૂચિત મોરી, ચોટીયાર મુસ્કાન અને પરમાર ધ્રૂવીએ એથ્લેટીક્સમાં ખેલો ઈન્ડિયામાં તથા રાષ્ટ્રીય સ્તરે મેડલ મેળવ્યાં છે. તાજેતરમાં પ્રતિક મેવાડા યોગાની નેશનલ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ મેળવી એશિયન ચેમ્પિયનશીપ માટે ક્વોલિફાય થયો છે. આ સૂચિ હજુ પણ લાંબી થઈ શકે તેમ છે. તેમ શ્રી ભાલીયાએ ઉમેર્યું હતું. ગીર સોમનાથ જિલ્લાના ખેલાડીઓ રમત-ગમત ક્ષેત્રે સિદ્ધિ મેળવતા ગયા તેમ સ્પોર્ટસમાં રસ ધરાવતા યુવાનોને પ્રેરણા મળવાની સાથે વિદ્યાર્થીઓના વાલીઓમાં પણ જાગૃતિનું પ્રમામ વધ્યું. તેમજ વ્યાયામ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા  વરંજાગભાઈ વાળા, વ્યાયામ શિક્ષક સર્વ નાથાભાઈ નાઘેરા, સી.પી રાઠોડ, દિપસિંહ દાહીમાના પ્રયાસોથી ગીર સોમનાથ જિલ્લામાં રમત-ગમત માટે એક અનોખુ વાતાવરણ ઉભું કરવામાં મહત્વની ભૂમિકા રહી છે. આ સાથે સીનીયર કોચ કાનજી ભાલીયાએ ઓપન ઈન્ટરનેશનલ વર્લ્ડકપ માટે ક્વોલીફાઈ થયેલી કોડીનારની કુ. મનીષા વાળાને શુભેચ્છાઓ પાઠવી છે.

Related posts

Leave a Comment