મહેસાણા માર્કેટ યાર્ડ ખાતે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા સુશાસન સપ્તાહના ભાગ રૂપે ગુડ ગવર્નન્સ ડેની ઉજવણી કરાઈ

હિન્દ ન્યુઝ, મહેસાણા

           સુશાસન સપ્તાહની ઉજવણીના અવસરે મહેસાણાના માર્કેટ યાર્ડ ખાતે કૃષિ દિવસની ઉજવણી પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, ભારતરત્ન આદરણીય અટલ બિહારી વાજપેયીના જન્મદિવસની કેન્દ્ર અને રાજ્ય સરકાર “સુશાસન દિવસ” તરીકે દર વર્ષે ઉજવણી કરે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકારે ખેડૂતોની સમૃદ્ધિ માટે પણ કમરકસી છે અને ખેડૂતોની આવક બમણી કરવા માટે વિવિધ ખેડૂત લક્ષી યોજનાઓ અમલમાં મૂકેલી છે. વધુમાં ઉમેર્યું હતું કે, કુદરતી આફતોને કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં ખેડૂતોને આર્થિક નુકસાની સામે સરકારે વળતર ચુકવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ દ્વારા કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત દિવસે વીજળી આપવામાં આવી રહી છે. દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચમાં સહાય આપવાની યોજના અને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ દ્વારા જીવામૃત બનાવવા સારુ લાભાર્થીઓને કૃષિ કીટમાં ૭૫% સહાયની યોજનાનો લાભ આપવામાં આવી રહ્યા છે. લોકસભાના સાંસદ શ્રીમતી શારદાબેન પટેલે જણાવ્યું હતું કે, આપણા ખેડૂત મિત્રોને તેમની આવક બમણી કરવા માટે સરકાર વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. આ યોજનાઓ થકી ખેડૂત મિત્રોને આર્થિક સહાય મળી રહેશે. છેવાડાનો માનવી યોજનાના લાભથી વંચિત ન રહે તે માટે સરકાર કટિબદ્ધ છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ઉજાલા યોજના, ઉજ્જવલા યોજના, જ્યોતિગ્રામ યોજના, કિસાન સૂર્યોદય યોજના, ખેડૂત કલ્યાણના સાત પગલાં યોજના જેવી અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકીને છેવાડાના માનવી સુધી આ સુવિધાઓનો લાભ પહોંચે તે માટેની વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવાઈ છે.

ધારાસભ્ય રમણભાઈ પટેલે જણાવ્યું હતું કે, સુશાસન સપ્તાહ અંતર્ગત વિવિધ જનકલ્યાણના કાર્યક્રમ થકી રાજ્યમાં ઉજવણી આવી રહી છે. સરકારની વિવિધ યોજનાઓના લાભ છેવાડાના માનવી સુધી મળતા થયા છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે રાજ્ય સરકારે જનકલ્યાણ માટે શિક્ષણ, આરોગ્ય અને ખેતી લક્ષી વિવિધ યોજના બનાવી છે. જયારે ઓછો વરસાદ પડે, પાક ઓછો થાય ત્યારે સરકાર આપણા ખેડૂત મિત્રોને આર્થિક સહાય આપે છે. આ કાર્યક્રમમાં ખેતીવાડી વિભાગ, પશુપાલન વિભાગના લાભાર્થી ખેડૂતો મિત્રોને યોજનાના મંજૂરી પત્રો અને હુકમોનું વિતરણ કરાયું હતુ. લાભાર્થી ગીતાબેન ચૌધરીને પ્રમાણપત્ર, શિલ્ડ તથા રૂ.૨૫૦૦૦/- નો ચેક મહાનુભાવના હસ્તે વિતરણ કરી તેમને પ્રોત્સાહિત કરાયા હતા. માર્કેટ યાર્ડમાં વિવિધ સ્ટોલની પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે મુલાકાત લઈને માર્ગદર્શન, સૂચન અને નિરીક્ષણ કર્યું હતું આ કાર્યક્રમમાં લોકસભાના ધારાસભ્ય કરશનભાઇ સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી ડૉ ઓમ પ્રકાશ, નિવાસી અધિક કલેકટર આઇ.આર.વાળા, અગ્રણી જશુભાઈ પટેલ, ખેતીવાડી ઉત્પન બજાર સમિતિના ચેરમેન ખોડાભાઈ, તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા ખેતી અધિકારી ભાવેશભાઈ જોષી સહિત જિલ્લાના અધિકારીઓ, પદાધિકારી ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment