ગીર સોમનાથ જિલ્લામાં કુલ ૯૧ ટકા રસીકરણ સંપન્ન, બીજા ડોઝનુ પણ ૮૨ ટકા વેક્સીનેશન
હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ
જિલ્લા આરોગ્ય તંત્રના સક્રિય પ્રયાસો અને યોજનાબદ્ધ આયોજનના પગલે ગીર સોમનાથ જિલ્લો વેક્સીનેશનમાં રાજ્યભરમાં અગ્રેસર રહ્યો છે. હાલ ગીર સોમનાથ જિલ્લામાં ૯૦૨૫૧૯ લોકોએ પ્રથમ ડોઝ અને ૭૩૫૧૮૨ લોકોએ બીજો ડોઝ મેળવી લીધો છે. આમ, જિલ્લામાં પ્રથમ ડોઝનુ ૯૧ ટકા અને દ્વિતીય ડોઝનુ ૮૨ ટકા રસીકરણ થઈ ચૂક્યું છે.
સમગ્ર જિલ્લામાં રસીકરણની કામગીરીની વિગતો આપતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એચ.એચ ભાયાએ જણાવ્યું કે, કોરોના મહામારી માંથી બહાર આવવા માટે ઝૂંબેશ સ્વરૂપે રસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે. આ માટે જિલ્લા ઓરોગ્ય તંત્રના અધિકારી-કર્મચારીઓ દિવસ-રાત સખત મહેનત કરી રહ્યા છે. તેના સારા પરિણામો પણ પ્રાપ્ત થયા છે. હાલ ગીર સોમનાથ જિલ્લામાં કુલ ૯.૦૨ લાખ જેટલા નાગરિકોએ રસીનો પ્રથમ ડોઝ લઈ લીધો છે. આમ, સમગ્ર જિલ્લામાં ૯૧ ટકા જેટલુ રસીકરણ થઈ ચૂક્યું છે. સાથે જ ૭.૩૫ લોકોએ રસીનો બીજો ડોઝ પણ લઈ લીધો છે.
જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગના અધિકારીઓ-કર્મચારીઓએ ટીમ વર્કથી કામ કરીને મહત્તમ રસીકરણ કરવામાં સફળતા મળી છે. ઉપરાંત ચૂંટાયેલી પાંખ, ધાર્મિક-સામાજિક અને સ્થાનિક અગ્રણીઓના સહયોગથી વેક્સિનેસનમાં ગીર સોમનાથ જિલ્લો અગ્રેસર રહ્યો છે
આ રસીકરણની કામગીરી જિલ્લા કલેક્ટર શ્રી રાજદેવસિંહ ગોહીલના વડપણ અને જિલ્લા વિકાસ અધિકારી રવીન્દ્ર ખતાલેના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહી છે. સાથે જ આ શીર્ષ અધિકારીઓ દ્વારા નિયમતે પણે તેનુ મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત રાજ્ય સ્તરેથી દર બુધવારે મુખ્ય સચિવ દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વેક્સીનેશનની સમીક્ષા કરવામાં આવે છે.
જિલ્લામાં મહત્તમ રસીકરણ કરવા માટે જિલ્લા કલેક્ટર શ્રી રાજદેવસિંહ ગોહીલ અને જિલ્લા વિકાસ અધિકારી રવીન્દ્ર ખતાલે સહિતના અધિકારીઓ ગ્રામસભા-રાત્રીસભામાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહી લોકોને રસી અંગેની ગેરમાન્યતાથી દૂર રહી સાચી જાણકારી સાથે સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ હર ઘર દસ્તક અભિયાન તેમજ લોકો બીજો ડોઝ પણ સત્વરે મેળવી લે માટે વ્યક્તિગત ટેલિફોનિક સંપર્ક કરીને રસી લેવા માટે જાણકારી આપવામાં આવે છે.
આમ, વ્યાપક જનજાગૃતિ અને જિલ્લા આરોગ્ય તંત્રના તાલુકા આરોગ્ય અધિકારી, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, MPHW, FHW, આશા ફેસિલીટેટર, આશા બહેનો સહિતના આરોગ્યકર્મીઓ સખત પરિશ્રમના પગલે મહત્તમ રસીકરણ કરવામાં સફળતા મળી છે. તેમ મુખ્ય આરોગ્ય અધિકારી શ્રી ભાયાએ ઉમેર્યું હતું.