હિન્દ ન્યુઝ,
આગામી ગ્રામ પંચાયત ચૂંટણી -૨૦૨૧ સંદર્ભે રાજ્ય ચૂંટણી આયોગ તરફથી આચાર સંહિતા બહાર પાડવામાં આવેલ છે. જેથી ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન કોઈ પણ જન સમૂહ કે કોઈપણ કાર્યકરો ભેગા થઈ તમામ સરકારી કચેરીઓના કમ્પાઉન્ડમાં આમજનતાના રૂપમાં કે ટોળાના રૂપમાં કોઈ પણ રીતે એકઠા થઈ આવેદનપત્રો આપવાના બહાને કે સરઘસના રૂપમાં કે એકઠા થઈ, રેલી કાઢી કાયદો અને વ્યવસ્થામાં બાધક બનતા હોય છે. આ પરિસ્થિતિ નિવારવા ચાર કરતા વધુ વ્યક્તિઓ એકી સાથે એકત્રિત ન થાય, કોઈ પ્રકારની સુલેહ શાંતિનો ભંગ ન થાય અને જાહેર સલામતી અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જાહેર વ્યવસ્થા જાળવવાના હેતુ માટે રાજ્ય ચૂંટણી પંચે બહાર પાડેલ ચૂંટણી આચાર સંહિતાની જોગવાઈઓના અમલ માટે તથા ચૂંટણીની રાષ્ટ્રીય ફરજમાં વિક્ષેપ ઉભો ન થાય તે માટે પ્રતિબંધ મુકવાની જરૂર જણાતાં જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ -૧૯૭૩ ની (૧૯૭૪ નો બીજો અધિનિયમની) કલમ -૧૪૪ અન્વયે મળેલ સત્તાની રૂઈએ પ્રતિબંધ ફરમાવેલ છે. જેમાં તમામ સરકારી કચેરીઓના કમ્પાઉન્ડમાં કોઈપણ જનસમુહ કે આમજનતા કે કોઈ પણ કાર્યકરો ભેગા થઈ, ટોળા સ્વરૂપે આવેદનપત્ર આપવા પર તથા સરઘસના રૂપે કે રેલી સ્વરૂપે એકઠા થઈ, સક્ષમ અધિકારીની વગર પરવાનગીએ સરકારી કચેરીઓમાં આવેદનપત્ર આપવા આવવા ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે. તમામ સરકારી કચેરીઓના વિસ્તારમાં ચાર કરતાં વધુ વ્યક્તિઓના એકી સાથે ગેરકાયદેસર ભેગા થવા, કોઈ મંડળી, રેલી કે સરઘસ કાઢવા માટે મનાઈ ફરમાવેલ છે. આવેદનપત્ર આપવા આવતી વખતે, આવેદનપત્ર આપનારે સક્ષમ અધિકારીશ્રીની મંજુરી લઈને આવવાનું રહેશે. ફક્ત ચાર જ વ્યક્તિ જે તે અધિકારીની કચેરીમાં જઈ શકશે. આવેદનપત્ર આપતી વખતે આવેદનપત્ર આપવા આવનારે સ્થાનિક પોલીસને જાણ કરવી અને પોલીસ બંદોબસ્ત અવશ્ય જાળવવાનો રહેશે. આ જાહેરનામું ફરજ ઉપર રોકાયેલ તમામ સરકારી તથા અર્ધ સરકારી કર્મચારીઓ / અધિકારીઓને લાગુ આ જાહેરનામાનો ઉલ્લંઘન કરનાર અથવા ઉલ્લંઘન માટે મદદ કરનાર શખ્સ ભારતીય દંડ સંહિતાની કલમ -૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામું ભાવનગર જિલ્લાના ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સમાવિષ્ટ થતા વિસ્તારો તથા તેની કામગીરી સાથે સંકળાયેલી તમામ સરકારી કચેરીઓને લાગુ પડશે. આ જાહેરનામુ તા.૨૪/૧૨/૨૦૨૧ સુધી અમલમાં રહેશે.
બ્યુરો ચીફ (ભાવનગર) : હકુમ ઝવેરી